કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આર.વી.એસ. મણિએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત આવતા પાકિસ્તાની ડેલિગેશનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે. એએનઆઈ (ANI) ના એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, 2006-07 ના ગાળામાં જ્યારે પણ પાકિસ્તાની ટીમ કે અન્ય પ્રતિનિધિમંડળ ભારત આવતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સની હેરાફેરી (ડ્રગ્સ ટ્રાફિકિંગ) કરતા હતા. આ ગંભીર ષડયંત્ર પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નો હાથ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ પર આરોપ

વર્ષ 2006 થી 2010 દરમિયાન ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં કાર્યરત રહેલા નિવૃત્ત અધિકારી આર.વી.એસ. મણિએ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફનું નામ લઈને સીધો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ કેસ ઓફિશિયલી રિપોર્ટ થયેલો છે. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફે પાકિસ્તાની હાઈ કમિશનર સામે પોતે ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જે બાદ તેમને પરત મોકલી દેવાયા હતા." તેમણે ઉમેર્યું કે આ ડ્રગ્સ વ્યક્તિગત વપરાશ માટે નહીં, પરંતુ મોટા પાયે ટ્રાફિકિંગના હેતુથી લાવવામાં આવતું હતું.

ટેરર ફંડિંગ અને બોબ વૂલ્મરના મોત સાથે કનેક્શન

પૂર્વ અધિકારીએ દાવો કર્યો કે ભારતમાં થતા આતંકવાદી હુમલાના ફંડિંગનો 30 ટકા હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે. તેમણે આ બાબતને 2007 ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના તત્કાલીન કોચ બોબ વૂલ્મરના શંકાસ્પદ મોતના કેસ સાથે પણ જોડી છે. મણિના મતે, બોબ વૂલ્મર પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા થતી આ ડ્રગ્સ હેરાફેરીનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે જ જમૈકાની હોટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું મોત નીપજ્યું હતું.

તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન સાથે 'પીપુલ ટુ પીપુલ કોન્ટેક્ટ' (સરહદ પારના સામાન્ય સંબંધો) એ માત્ર એક મોટો ધોકો છે, જેની આડમાં આવા ગેરકાયદેસર અને દેશવિરોધી કૃત્યો આચરવામાં આવતા હતા. ગૃહ મંત્રાલય પાસે આ તમામ બાબતોના અનેક અહેવાલો અને આઈબી (IB) ના એલર્ટ્સ મોજૂદ હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.


આ પણ વાંચો: Chinaમાં શિ જિનપિંગની પૂજા ન કરનાર 10 હજારથી વધુ ખ્રિસ્તીની ધરપકડ, દુનિયાભરમાં ખળભળાટ