ચીનમાં કમ્યુનિસ્ટ સરકાર દ્વારા ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકારો પર તરાપ મારવાના ગંભીર આરોપો ફરી એકવાર વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. બ્રિટિશ અખબાર 'દ ટેલિગ્રાફ'ના એક સનસનીખેજ અહેવાલ અનુસાર, રાષ્ટ્રપતિ શિ જિનપિંગના શાસનકાળ દરમિયાન છેલ્લા એક દાયકામાં 10,000 થી વધુ ખ્રિસ્તીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી તે લોકો પર કરવામાં આવી છે જેમણે સરકાર સંચાલિત સ્ટેટ-ચર્ચને બદલે બિન-નોંધાયેલા અથવા અંડરગ્રાઉન્ડ (ખાનગી) ચર્ચમાં પ્રાર્થના કરવાનું પસંદ કર્યું હતું.
ચર્ચ પર શિ જિનપિંગની તસવીર લગાવવી ફરજિયાત
રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનમાં માત્ર પાંચ ધર્મો (બૌદ્ધ, તાઓ, ઇસ્લામ, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક) ને જ સત્તાવાર મંજૂરી છે, પરંતુ તે પણ માત્ર સરકાર હસ્તકના નિયંત્રિત ચર્ચો પૂરતી સીમિત છે. આ માન્યતા પ્રાપ્ત ચર્ચોમાં પ્રાર્થના શરૂ થતાં પહેલાં ફરજિયાતપણે દેશભક્તિના ગીતો ગાવા પડે છે અને ચર્ચના સ્ટેજ પર રાષ્ટ્રપતિ શિ જિનપિંગની તસવીર લગાવવી અનિવાર્ય છે. જે લોકો શિ જિનપિંગના આ આદેશ સામે અવાજ ઉઠાવે છે અથવા ખાનગીમાં પ્રાર્થના કરે છે, તેમને દેશદ્રોહી માનીને જેલમાં ધકેલી દેવામાં આવે છે.
પરિવારો પણ સુરક્ષિત નથી
માનવ અધિકાર સંસ્થા 'ચાઇનાએડ' ના સ્થાપક બોબ ફૂના જણાવ્યા અનુસાર, ચીનની પોલીસ રાત્રિના સમયે દરોડા પાડીને અંડરગ્રાઉન્ડ ચર્ચના સભ્યોના ઘરો પર હુમલા કરે છે. આવી જ એક ઘટનામાં ટીજે નામના ખ્રિસ્તી યુવકના ઘરે પોલીસે મોડી રાત્રે દરવાજો તોડીને તેની પત્ની અને ત્રણ વર્ષની દીકરી સામે જ અટકાયત કરી હતી. કાયદેસરના કાગળો વગર ચાલતા ચર્ચમાં જવાનો એકમાત્ર ગુનો આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી દે છે.
'સિનીસાઇઝેશન'ની ક્રૂર નીતિ
વર્ષ 2015 માં શિ જિનપિંગ દ્વારા લાગુ કરાયેલી 'સિનીસાઇઝેશન' નીતિ હેઠળ દરેક ધાર્મિક સમુદાય માટે પોતાના ઈશ્વર કે ધાર્મિક ઓળખ કરતાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદાર રહેવું સૌથી વધુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નીતિ હેઠળ સેંકડો ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા છે અને હજારો પાદરીઓ જેલમાં સડી રહ્યા છે.
જોકે, ચીની દૂતાવાસે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે પશ્ચિમી દેશો અને કેટલીક 'ચીન વિરોધી શક્તિઓ' ધાર્મિક સ્વતંત્રતાના નામે ચીનને બદનામ કરવાનો ભ્રામક પ્રચાર કરી રહી છે.
આ પણ વાંચો: El Nino: આ વર્ષે ગુજરાતમાં દુષ્કાળ પડશે? અલ-નીનો પર યુરોપિયન એજન્સીનો ડરાવનારો રિપોર્ટે