પહલગામ આતંકી હુમલા કેસમાં લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ સામે ભારતે કાયદાકીય કાર્યવાહી વધુ ઝડપી બનાવી છે. NIA હવે હાફિઝ સઈદને પાકિસ્તાનમાં કોર્ટનું સમન્સ મોકલવાની તૈયારીમાં છે. આ સમન્સ વિદેશ મંત્રાલયના માધ્યમથી મોકલવામાં આવશે. NIAએ જુલાઈ 2026માં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં હાફિઝ સઈદને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર ગણાવી આરોપી બનાવ્યો હતો. ત્યારબાદ જમ્મુની વિશેષ NIA કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું હતું. 

કાયદામાં નિર્ધારિત શરતો પૂર્ણ કરવી જરૂરી 

હાફિઝ સઈદ પાકિસ્તાનમાં હોવાથી તેને ભારતીય કોર્ટમાં હાજર કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં BNSSની કલમ 356 હેઠળ 'ટ્રાયલ ઈન એબ્સેન્ટિયા' એટલે કે આરોપીની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવવાની જોગવાઈનો ઉપયોગ થઈ શકે છે. જોકે, આ પ્રક્રિયા માટે કાયદામાં નિર્ધારિત શરતો પૂર્ણ કરવી જરૂરી છે. 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. NIAની તપાસમાં હાફિઝ સઈદની હુમલાના આયોજન અને દેખરેખમાં ભૂમિકા હોવાના આરોપો મૂકવામાં આવ્યા છે.

સિંધુ જળ સંધિ સંબંધિત નિર્ણય અંગે ચિંતા

બીજી તરફ, પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઈકબાલે ભારતના સિંધુ જળ સંધિ સંબંધિત નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ભારત પોતાની ભૌગોલિક સ્થિતિનો ઉપયોગ કરીને જરૂરિયાતના સમયે પાકિસ્તાનના પાણીના પ્રવાહને અસર કરી શકે છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. ભારતનું કહેવું છે કે સરહદ પારનો આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Hyderabad Building Collapsed : 7 માળની નિર્માણાધીન બિલ્ડિંગ થઈ ધરાશાયી, 2 લોકોના મોત