ઈરાન સાથેના વેપાર અને તેના પર લાગેલા પ્રતિબંધોને લઈને અમેરિકાએ ભારત અને તુર્કી સાથે જોડાયેલી કંપનીઓ તથા વ્યક્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે 4 નવેમ્બરે ભારતના એક દંપતી સહિત અનેક લોકો અને કંપનીઓ પર નવા પ્રતિબંધો જાહેર કર્યા હતા. અમેરિકાનો આરોપ છે કે આ લોકો અને કંપનીઓએ ઈરાનના તેલના વેપાર સાથે જોડાયેલાં જહાજોને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવામાં મદદ કરી હતી. આ કાર્યવાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ'નો ભાગ છે.
ચંદીગઢના દંપતી પર શું છે આરોપ?
અમેરિકાના ટ્રેઝરી વિભાગના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય નિશાન ભારતના ચંદીગઢમાં રહેતા સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદનું નેટવર્ક છે. આ ઉપરાંત દંપતીના બે વ્યવસાયનું સંચાલન કરતા અન્ય 2 ભારતીય નાગરિકો અને શર્મા સાથે જોડાયેલી 9 સંસ્થાઓ સામે પણ પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકાનો આરોપ છે કે આ નેટવર્કે ઈરાનનું તેલ લઈ જતાં પ્રતિબંધિત જહાજોને ખોટા દેશોના ધ્વજ અને દરિયાઈ પ્રમાણપત્રો આપ્યાં હતાં. તેના કારણે આ જહાજો પોતાની સાચી ઓળખ છુપાવીને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે પણ કામગીરી ચાલુ રાખી શકતાં હતાં. અમેરિકાના જણાવ્યા પ્રમાણે, આ જહાજોમાં ઈરાની સૈન્ય અને તેની સાથે જોડાયેલા જૂથો વતી કામ કરતાં જહાજોનો પણ સમાવેશ થાય છે.
ખોટી વેબસાઇટ બનાવી જહાજોને અપાતાં હતાં પ્રમાણપત્રો
અમેરિકાના ટ્રેઝરી વિભાગે આરોપ લગાવ્યો છે કે સુનીલ શર્મા અને તેમની પત્નીએ ગુયાના, એસ્વાતિની અને લાઓસ જેવા દેશોના દરિયાઈ સત્તાવાળાઓનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો ખોટો દાવો કર્યો હતો. આ માટે તેમના નેટવર્કે એવી વેબસાઇટ્સ બનાવી હતી, જે આ દેશોની સત્તાવાર જહાજ નોંધણીની વેબસાઇટ જેવી દેખાતી હતી. આ વેબસાઇટ્સના માધ્યમથી જહાજોની નોંધણી, ધ્વજ અને અન્ય દરિયાઈ પ્રમાણપત્રો આપવાની સેવાઓ આપવામાં આવતી હોવાનો આરોપ છે. અમેરિકાના જણાવ્યા પ્રમાણે, આ વ્યવસ્થા ઓછામાં ઓછા 2014થી ચાલી રહી હતી. તેના દ્વારા પ્રતિબંધિત જહાજોને પોતાની ઓળખ છુપાવીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યવહારમાં સામેલ રહેવામાં મદદ મળતી હતી.
તુર્કીની કંપની સામે પણ કાર્યવાહી
અમેરિકાએ તુર્કીની ફુગો ગ્રાઉન્ડ સર્વિસિસ ઇન્ક. સામે પણ પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાનો આરોપ છે કે આ કંપનીએ પ્રતિબંધિત ઈરાની એરલાઇન્સને એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સહિતની સેવાઓ પૂરી પાડી હતી. આ એરલાઇન્સમાં ઈરાન એર ટૂર, સાહા એરલાઇન્સ, ટાબાન એરલાઇન્સ અને આતા એરલાઇન્સનો સમાવેશ થાય છે. અમેરિકાના જણાવ્યા પ્રમાણે, આ કંપનીની સેવાઓથી ઈરાનના પ્રતિબંધિત ઉડ્ડયન ક્ષેત્રને કામગીરી ચાલુ રાખવામાં મદદ મળી હતી.
પ્રતિબંધો લાગ્યા પછી શું થશે?
અમેરિકાના પ્રતિબંધો હેઠળ નિશાન બનાવવામાં આવેલી વ્યક્તિઓ અને સંસ્થાઓની અમેરિકાના અધિકારક્ષેત્ર હેઠળ આવેલી સંપત્તિ ફ્રીઝ થઈ શકે છે. અમેરિકાના નાગરિકો અને કંપનીઓને સામાન્ય રીતે તેમની સાથે નાણાકીય કે વ્યાપારી વ્યવહાર કરવાની મનાઈ રહેશે. આ ઉપરાંત, પ્રતિબંધોથી બચવામાં મદદ કરનારી અન્ય વિદેશી કંપનીઓ અને બેંકોને પણ અમેરિકાની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટે કહ્યું હતું કે ઈરાનના શાસનને મદદ કરનારાઓ સામે અમેરિકા કાર્યવાહી ચાલુ રાખશે. ટ્રેઝરી વિભાગે શિપિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓને ખોટા ધ્વજ હેઠળ ચાલતાં જહાજો સાથે વ્યવહાર કરવામાં રહેલા જોખમ અંગે ચેતવણી પણ આપી છે.
આ નવી કાર્યવાહીથી ભારત અને તુર્કી સાથે જોડાયેલા વેપારી નેટવર્ક પર પણ અમેરિકાની નજર વધુ કડક બની છે. જોકે, આ તમામ આરોપો અમેરિકાના ટ્રેઝરી વિભાગ દ્વારા લગાવવામાં આવ્યા છે; પ્રતિબંધ જાહેર થવા માત્રથી આરોપો કોર્ટમાં સાબિત થયા હોવાનું માનવું નહીં.
આ પણ વાંચો: US Midterm Elections 2026: ડોનાલ્ડ ટ્રમ્પની હારનું મોટું કારણ ઈરાન યુદ્ધ, જેડી વાન્સે મિડટર્મ ચૂંટણીના 4 કારણ બતાવ્યા