ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે સમુદ્રના મોજાં પર માનવતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. ઓમાનથી ગુજરાતના અલંગ તરફ આવી રહેલા ભારતીય જહાજ 'ગૌતમ'માં મધદરિયે મોટી તકનીકી ખામી સર્જાતા તે પાકિસ્તાની જળસીમાના શોધ અને બચાવ ક્ષેત્ર (SRR) માં ફસાઈ ગયું હતું.
વેપારી જહાજ 'ગૌતમ' ને મદદ કરાઇ
માહિતી મુજબ, વેપારી જહાજ 'ગૌતમ' ઓમાનના શિનાસ બંદરેથી ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તરફ આવી રહ્યું હતું. 3 મે, 2026 ના રોજ જહાજના મુખ્ય જનરેટરમાં ગંભીર ખામી સર્જાઈ હતી, જેના કારણે જહાજની સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ હતી. આ જહાજમાં 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન સહિત કુલ 7 ક્રૂ સભ્યો સવાર હતા. વીજળી ન હોવાને કારણે નેવિગેશન સિસ્ટમ બંધ થઈ ગઈ અને જહાજ દિશાહીન બનીને તરવા લાગ્યું હતું.
પાકિસ્તાની નૌકાદળની મદદ
જ્યારે જહાજ પાકિસ્તાની સર્ચ એન્ડ રેસ્ક્યુ ઝોનમાં હતું, ત્યારે મુંબઈના મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) એ પાકિસ્તાની સત્તાવાળાઓને જાણ કરી હતી. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA) ના ટેકનિકલ કર્મચારીઓ જહાજ પર પહોંચ્યા હતા. પાકિસ્તાની નૌકાદળે ફસાયેલા ક્રૂ મેમ્બરોને પૂરતો ખોરાક અને પીવાનું પાણી પૂરું પાડીને માનવતા દર્શાવી હતી, પરંતુ તેઓ જહાજનું જનરેટર સુધારવામાં નિષ્ફળ રહ્યા હતા. તપાસ બાદ તેમણે જનરેટરને સંપૂર્ણપણે ખરાબ જાહેર કર્યું હતું, જેનું સમારકામ મધદરિયે તેમની ક્ષમતાની બહાર હતું.
ભારતીય કોસ્ટ ગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન
4 મેના રોજ રાત્રે જહાજ વહેતું વહેતું ભારતીય જળસીમામાં પ્રવેશ્યું, જે દ્વારકા લાઈટહાઉસથી લગભગ 262 નોટિકલ માઈલ દૂર હતું. ઘટનાની ગંભીરતા જોઈને આઈસીજી (ICG) એ ગાંધીનગર મુખ્યાલયથી તાત્કાલિક પોતાનું જહાજ 'રાજરતન' તપાસ માટે મોકલ્યું હતું. ભારતીય અધિકારીઓએ જ્યારે જહાજનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે તે માત્ર બેકઅપ બેટરી પર ચાલતી મર્યાદિત વીએચએફ (VHF) સિસ્ટમથી જ વાત કરી શકે તેમ હતું.
જહાજને કરી મદદ
હાલમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ 'રાજરતન' દ્વારા આ ફસાયેલા જહાજ અને તેના ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે કિનારે લાવવાની અને જરૂરી સહાય પૂરી પાડવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સમુદ્રી કટોકટી સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે પરસ્પર સહયોગ કેટલો મહત્વનો છે.
આ પણ વાંચોઃ Iran ના શોપિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 8 લોકોના મોત, 36 લોકો ગંભીર રીતે ઘાયલ