બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ખલીલુર રહેમાન ભારતની મુલાકાતે છે. ખલીલુર રહેમાને ઘણા ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી. બાંગ્લાદેશના વિદેશ મંત્રીની આ મુલાકાત વધુ મહત્વની માનવામાં આવે છે. બાંગ્લાદેશ અને ભારતના સંબંધો વધુ સકારાત્મક થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ. જો કે ખલીલુર રહેમાને ભારત પાસે એક અનોખી માગણી મૂકી. વિદેશ મંત્રીએ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરી પરંતુ આ મુદે હજુ ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે વણસ્યા સંબંધો
ગયા વર્ષે ભારત અને બાંગ્લાદેશના સંબંધમાં ખટાશ આવી હતી. બાંગ્લાદેશમાં મંદિરો અને ભગવાની મૂર્તિમાં તોડફોડ, હિંદુ સમુદાય પર હુમલા, અનેક બાબતોને લઈને ભારતનું કડક વલણ હતું. બાંગ્લાદેશના એક ક્રિકેટર પણ આ કારણે વિવાદમાં આવ્યા અને આઈપીએલથી છેડો ફાડયો. આ બધા વચ્ચે હાલમાં વિદેશ મંત્રી ખલીલુર રહેમાનની ભારત મુલાકાત એક નવો સંકેત આપે છે.તાજેતરમાં ખલીલુર રહેમાની ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત થઈ. આ મુલાકાતમાં તેમણે અનોખી માગ કરી હતી.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીની અનોખી માગ
બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને બુધવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત અનેક અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ઢાકા દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, રહેમાને જયશંકર સાથેની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલના પ્રત્યાર્પણ માટેની તેમની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો. જોકે, ભારતે આ વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી. આમ, છતાં આગામી દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો સકારાત્મક બની શકે તેવા સંકેત દેખાય છે.
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરની પ્રતિક્રિયા
એસ. જયશંકરે બેઠક પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે વિવિધ પગલાંઓ પર ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, અને બંને પક્ષો ગાઢ સંપર્ક જાળવવા સંમત થયા હતા. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભારત નવી સરકાર સાથે રચનાત્મક રીતે જોડાવા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય પક્ષે બાંગ્લાદેશી પ્રતિનિધિમંડળને ખાતરી પણ આપી હતી કે આગામી અઠવાડિયામાં બાંગ્લાદેશી નાગરિકો માટે વિઝા પ્રક્રિયાઓ, ખાસ કરીને તબીબી અને વ્યવસાયિક વિઝા, વધુ સરળ બનાવવામાં આવશે.
શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગનો ભારતનો અસ્વીકાર
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024 માં, બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ, તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને તેમના પદ અને દેશ બંનેમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારથી તેઓ નવી દિલ્હીમાં રહે છે. શેખ હસીના અને તેમના ભૂતપૂર્વ ગૃહમંત્રીને બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશે અગાઉ શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની પાછલી સરકારે પણ ભારતને આ વિનંતી કરી હતી, પરંતુ ભારતે તેનો સ્વીકાર કર્યો ન હતો.
આ પણ વાંચો : Iran Israel War: હવે ઇરાનની પાછળ પડ્યું UAE, હુમલા સામે નુકસાન માટે માંગી અબજોની ભરપાઇ