મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ઈરાન સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઈરાને જ્યારે અમેરિકા સામે યુદ્ધવિરામ માટે વળતરની શરત મૂકી, તેના જવાબમાં હવે યુએઈએ પણ ઈરાન પાસે છેલ્લા 40 દિવસમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે. યુએઈનું કહેવું છે કે જો ઈરાન પોતાના પુનર્નિર્માણ માટે પૈસા ઈચ્છતું હોય, તો તેણે ગલ્ફ દેશોમાં કરેલી તબાહીનું નુકસાન પણ ચૂકવવું પડશે.
40 દિવસના હુમલા અને ભારે નુકસાન
યુએઈના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ઈરાને છેલ્લા 40 દિવસમાં કોઈ પણ ઉશ્કેરણી વિના માળખાગત સુવિધાઓ, ઉર્જા કેન્દ્રો અને નાગરિક વિસ્તારો પર હુમલા કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઈરાને આ સમયગાળા દરમિયાન 2819 બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો તેમજ અસંખ્ય ડ્રોનનો ઉપયોગ કર્યો છે. આ હુમલાઓને કારણે થયેલા જાનમાલના નુકસાન માટે ઈરાનને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવે તેવી માંગ યુએઈએ કરી છે.
હોર્મુઝ સ્ટ્રેટ અને યુદ્ધવિરામ પર સ્પષ્ટતા
યુએઈ માત્ર વળતરથી સંતુષ્ટ નથી, પરંતુ તે આ યુદ્ધવિરામની શરતો પર વધુ સ્પષ્ટતા ઈચ્છે છે. યુએઈએ સવાલ ઉઠાવ્યો છે કે શું આ કરાર બાદ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને (Strait of Hormuz) બિનશરતી રીતે ફરીથી ખોલવા માટે તૈયાર છે? ગલ્ફ દેશો માટે આ દરિયાઈ માર્ગ વેપારની જીવાદોરી સમાન છે. યુએઈએ માંગ કરી છે કે તેહરાન તમામ પ્રકારની દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવે અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં અવરોધો ઊભા કરવાનું બંધ કરે.
રાજદ્વારી ખેંચતાણ
પોતાને આ સંઘર્ષથી દૂર રાખવાનો પ્રયાસ કરતા યુએઈએ સ્પષ્ટ કર્યું છે કે તેણે હંમેશા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના માધ્યમથી શાંતિ સ્થાપવા માટે સંવાદના પ્રયાસો કર્યા છે. યુએઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેણે પોતાની સુરક્ષા અને રાષ્ટ્રીય સિદ્ધિઓનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે. સાથે જ, ઈરાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 2817 (2026) નું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે, જે ઈરાની હુમલાઓની સત્તાવાર નિંદા કરે છે.
આ પણ વાંચોઃ Iran Israel War: યુદ્ધ વિરામ વચ્ચે ઈઝરાયલની મોટી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહ ચીફના ભત્રીજાના મોતનો દાવો