ઈરાન અને ભારત વચ્ચે કૂટનીતિક સ્તરે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર વચ્ચે બુધવારે સાંજે વિગતવાર ટેલિફોનિક વાતચીત થઈ છે. આ ચર્ચામાં ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો, જે વૈશ્વિક ઊર્જા સપ્લાય અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ માનવામાં આવે છે.



આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરી

મળતી માહિતી અનુસાર બંને નેતાઓએ સીઝફાયર સંબંધિત તાજેતરના વિકાસ, દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરી હતી. ઈરાનના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે બંને દેશોએ હાલની પરિસ્થિતિના તમામ પાસાઓ પર વિચારવિમર્શ કર્યો અને ભવિષ્યમાં પણ સતત સંપર્કમાં રહેવા માટે સહમતિ વ્યક્ત કરી છે.

એસ.જયશંકરે આપી જાણકારી

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર આ ચર્ચાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, “આજે સાંજે ઈરાનના વિદેશ મંત્રી સૈય્યદ અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો હતો. અમે વર્તમાન પરિસ્થિતિના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી અને સતત સંપર્કમાં રહેવા માટે સહમત થયા.”

વિશ્લેષકોના મત મુજબ ઈરાન અને ભારત વચ્ચેની આ વાતચીત વૈશ્વિક કૂટનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિરતા ભારત માટે ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને અત્યંત જરૂરી માનવામાં આવે છે. આ સંવાદ દર્શાવે છે કે પ્રાદેશિક શાંતિ જાળવવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે.

આ પણ વાંચો : Pakistanમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ આતંકી સલમાન અઝહરનું શંકાસ્પદ હાલતમાં મોત



  • Follow us on: