વિદેશ મંત્રી એસ.જયશંકરે 24 ઓગસ્ટે મોસ્કોના ક્રેમલિનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. બે દિવસની રશિયા મુલાકાત દરમિયાન થયેલી આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
બંને દેશો વચ્ચેનો આર્થિક સહયોગ નોંધપાત્ર રીતે વધ્યો
જયશંકરે પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી અને તેમનો વ્યક્તિગત સંદેશ પણ સોંપ્યો. તેમણે ભારત-રશિયા વચ્ચે આર્થિક સહયોગ, વેપાર, ઊર્જા, ખાતર અને પરમાણુ ક્ષેત્રમાં વધી રહેલી ભાગીદારીનો ઉલ્લેખ કર્યો. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો આર્થિક સહયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. જયશંકરે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી આગામી SCO શિખર સંમેલનમાં પુતિન સાથે મુલાકાત કરવા અને ત્યારબાદ ભારતમાં યોજાનારી BRICS સમિટમાં તેમનું સ્વાગત કરવા ઉત્સુક છે. બંને દેશોની અનુકૂળતા મુજબ વાર્ષિક શિખર બેઠક યોજવાની દિશામાં પણ વાતચીત થઈ રહી છે.
