પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે સર્વદલીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી. બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ સહિત ભારત સંબંધિત મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. બેઠક લગભગ પોણા બે કલાક સુધી ચાલી હતી.
અમેરિકા વર્ષોથી પાકિસ્તાનનો ઉપયોગ કરે છે
બેઠક દરમિયાન ઈરાન સંકટ, ઊર્જા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની મધ્યસ્થતા અંગે પૂછાયેલા પ્રશ્ન પર વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત કોઈ “દલાલ દેશ” નથી અને તે કોઈપણ પ્રકારની મધ્યસ્થતા કરશે નહીં. તેમણે જણાવ્યું કે અમેરિકા વર્ષોથી પાકિસ્તાનનો ઉપયોગ મધ્યસ્થતા માટે કરે છે.
આ પ્રશ્ન સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેન્દ્ર યાદવ અને કોંગ્રેસના નેતા મુકુલ વસનિક દ્વારા પૂછવામાં આવ્યો હતો. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા.
ઈરાને પરમાણુ પરીક્ષણ ન કરવાનો વિશ્વાસ આપ્યો
વિપક્ષે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં વિદેશ સચિવે જણાવ્યું કે ઈરાને પરમાણુ પરીક્ષણ ન કરવાનો વિશ્વાસ આપ્યો હતો, છતાં તે આ દિશામાં આગળ વધી રહ્યું હતું, જેના કારણે આ પગલાં લેવામાં આવ્યા. આ ઉપરાંત બેઠકમાં કોરોના સંબંધિત મુદ્દાઓ અને ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં થયેલી વિલંબ બાબતે પણ ચર્ચા થઈ હતી. સરકારે તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા આપતા કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : West Bengal Election 2026 : ભાજપે ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ કર્યું જાહેર, RG કર પીડિતાની માતાને મળી ટિકિટ