પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાં વધુ એક ઓઇલ ટેન્કર સાથે હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાઉદી અરેબિયાના ધ્વજવાળું ઓઇલ ટેન્કર ‘NCC FAJR’ 11 નવેમ્બરે આ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેની સાથે સંભવિત હુમલાની ઘટના બની હતી. જહાજમાં ત્રણ ભારતીય નાવિકો પણ સવાર હતા. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે ત્રણેય ભારતીયો સહિત જહાજનો સમગ્ર ક્રૂ સુરક્ષિત છે.
કયા જહાજ સાથે બની ઘટના?
મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 11 નવેમ્બરે સાઉદી અરેબિયાના ધ્વજવાળું ઓઇલ ટેન્કર NCC FAJR હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સંભવિત હુમલાની ઘટનામાં સામેલ થયું હતું. આ જહાજમાં ત્રણ ભારતીય નાવિકો સવાર હતા. જોકે, હુમલો કોણે કર્યો, કયા હથિયારનો ઉપયોગ થયો અથવા જહાજને કેટલું નુકસાન થયું તેની વિગતો હજુ સામે આવી નથી. હાલ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જહાજમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.
સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે
સોનોવાલે જણાવ્યું કે ભારત સરકાર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જહાજનું સંચાલન કરતી કંપની સાથે પણ નિયમિત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે, જેથી ભારતીય નાવિકો અને સમગ્ર ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું કે નાવિકોની સુરક્ષા અને તેમની સુખાકારી સરકારની પ્રાથમિકતા છે. જરૂરિયાત મુજબ સંબંધિત કંપની સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે.
એક દિવસ પહેલાં પણ ઓઇલ ટેન્કર પર હુમલો
આ ઘટનાના એક દિવસ પહેલાં એટલે કે 10 નવેમ્બરે પણ પર્શિયન ગલ્ફમાં એક અન્ય ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. લાઇબેરિયાના ધ્વજવાળું MT FUJAIRAH ENERGY નામનું ટેન્કર અલ રુવૈસથી દુબઈ તરફ જઈ રહ્યું હતું ત્યારે તેના પર પ્રોજેક્ટાઇલથી હુમલો થયો હતો. આ જહાજમાં છ ભારતીય નાવિકો સહિત કુલ 24 ક્રૂ સભ્યો સવાર હતા. હુમલામાં ચાર ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા, જેમાં એક ભારતીય નાવિકનો પણ સમાવેશ થાય છે. તેને સામાન્ય ઈજા થઈ હતી અને વધુ તબીબી તપાસ માટે સુરક્ષિત રીતે દરિયાકિનારે લઈ જવામાં આવ્યો હતો. બાકીના 18 ક્રૂ સભ્યો સુરક્ષિત હતા.
ભારત માટે હોર્મુઝનો દરિયાઈ માર્ગ કેમ મહત્ત્વનો?
હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગોમાંથી એક છે. પર્શિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડતો આ માર્ગ વૈશ્વિક ક્રૂડ ઓઇલ અને ઊર્જાના વેપાર માટે અત્યંત મહત્ત્વનો છે. વિશ્વના મોટા પ્રમાણમાં તેલનો જથ્થો આ માર્ગેથી પસાર થાય છે. ભારત પણ ક્રૂડ ઓઇલની આયાત માટે આ દરિયાઈ માર્ગ પર નિર્ભર છે. તેથી અહીં જહાજોની અવરજવર અને નાવિકોની સુરક્ષા અંગેની દરેક ઘટના ભારત માટે મહત્ત્વ ધરાવે છે.
તાજેતરની બંને ઘટનાઓને પગલે દરિયાઈ માર્ગો પર ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. ભારત સરકાર જહાજ સંચાલન કરતી કંપનીઓ સાથે સંપર્કમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહી છે.
આ પણ વાંચો: Persian Gulf : ઓઇલ ટેન્કર પર હુમલો, 4 ક્રૂ મેમ્બર ઘાયલ; એક ભારતીય નાગરિકનો સમાવેશ