ઓમાનના દરિયાકિનારા નજીક એક મોટો અકસ્માત ટળી ગયો છે, જ્યારે ભારતીય ક્રૂ ધરાવતું એક જહાજ એન્જિન ફેલ થવાને કારણે ડૂબવા લાગ્યું હતું. સમયસર શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં જહાજ પર સવાર તમામ 14 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, આ જ વિસ્તારમાં જોડાયેલી એક અલગ ઘટનામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે.
જહાજ ઓમાનના રાસ અલ હદ્દથી લગભગ 80 નોટિકલ માઈલ દૂર હતું
મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે અમેરિકી નૌસેનાથી મળેલી માહિતીના આધારે જણાવ્યું કે 14 જૂનના રોજ એમએસવી વિરાટ-1 નામનું પરંપરાગત માલવાહક જહાજ ડૂબવાની માહિતી મળી હતી. આ જહાજ ઓમાનના રાસ અલ હદ્દથી લગભગ 80 નોટિકલ માઈલ દૂર હતું અને તેમાં કુલ 14 ભારતીય ક્રૂ સભ્યો હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા ભારતીય નૌસેનાના જહાજોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન અમેરિકી નૌસેનાના P-8 સમુદ્રી સર્વેલન્સ વિમાને બચાવ કામગીરીમાં સહાય કરી અને લાઇફ રાફ્ટ (બચાવ બોટ) પહોંચાડી હતી.
તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત
આ પછી તમામ 14 ભારતીય ક્રૂ સભ્યો લાઇફ રાફ્ટમાં સુરક્ષિત રીતે પહોંચી ગયા હતા. નજીકથી પસાર થઈ રહેલા એક અન્ય જહાજે પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી અને ક્રૂની સ્થિતિ અંગે સતત માહિતી આપતા રહ્યા હતા. શરૂઆતના અહેવાલ મુજબ તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. દૂતાવાસના જણાવ્યા મુજબ જહાજનું એન્જિન ફેલ થવાથી તે નિયંત્રણ બહાર થઈ ગયું હતું અને અંતે ક્રૂને લાઇફ રાફ્ટમાં શિફ્ટ થવું પડ્યું હતું. ઓમાનના અધિકારીઓના સંકલનથી બચાવ કામગીરી સફળ રહી.
અન્ય એક ઘટનામાં ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનનું મૃત્યુ થયું
આ સાથે જ એક અલગ ઘટનામાં ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનનું મૃત્યુ થયું છે. દૂતાવાસ મુજબ તેમનું મૃત્યુ તબીબી જટિલતાઓના કારણે થયું હતું. તેમનો મૃતદેહ હાલમાં ડુકમ બંદર પર એક જહાજમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાડી વિસ્તારમાં તણાવ વચ્ચે આવી ઘટનાઓને લઈને સુરક્ષા ચિંતાઓ વધુ વધી રહી છે. ભારતીય દૂતાવાસ સતત સંબંધિત કંપનીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને તમામ જરૂરી કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો : Madhya Pradesh : કટનીમાં મોટો માર્ગ અકસ્માત, બેકાબૂ બનેલી બસ રસ્તા પર પલટી, 3 લોકોના થયા મોત