અમેરિકાની અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિના એટલે કે 235 મહિનાની જેલની સજા ફટકારી છે. અમેરિકાની ધરતી પર શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના નિષ્ફળ કાવતરામાં સામેલ હોવાના આરોપમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
નિખિલ ગુપ્તાએ ફેબ્રુઆરી 2026માં હત્યા માટે સોપારી આપવી (મર્ડર-ફોર-હાયર), હત્યાનું કાવતરું ઘડવું અને મની લોન્ડરિંગનું કાવતરું રચવાના આરોપો સ્વીકારી લીધા હતા. રવિવારે અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ વિક્ટર મારેરોએ તેમને સજા સંભળાવી હતી.
જજે સંકેત આપ્યો છે કે જેલની સજા પૂર્ણ થયા બાદ નિખિલ ગુપ્તાને અમેરિકામાંથી દેશનિકાલ પણ કરવામાં આવી શકે છે.
સજા બાદ નિખિલ ગુપ્તા પાસે કયા વિકલ્પો છે?
સજા સંભળાવ્યા બાદ પણ નિખિલ ગુપ્તા પાસે કેટલાક કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે. તેઓ ચોક્કસ કાનૂની આધાર પર સજાને પડકારી શકે છે.
સીધી અપીલ કરી શકે છે
નિખિલ ગુપ્તા સજા સામે મર્યાદિત કાનૂની આધારો પર અપીલ કરી શકે છે. સામાન્ય રીતે આ માટે 14 દિવસની અંદર અરજી કરવાની હોય છે. જોકે, જે આરોપીઓ પોતાનો ગુનો સ્વીકારી લે છે, તેઓ સામાન્ય રીતે અપીલ કરવાના ઘણા અધિકારો ગુમાવી દે છે.
તેમ છતાં, ગુપ્તા 'યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ સેકન્ડ સર્કિટ'માં અપીલ કરી શકે છે. જો તેઓ સાબિત કરી શકે કે તેમણે પોતાની મરજીથી આરોપો સ્વીકાર્યા નહોતા, સજા કાનૂની મર્યાદા અથવા પ્લી એગ્રીમેન્ટની શરતોનું ઉલ્લંઘન કરે છે કે પછી નીચલી અદાલતે કાનૂની પ્રક્રિયાનું યોગ્ય પાલન કર્યું નથી, તો અપીલનો વિકલ્પ મળી શકે છે.
જોકે, જજ વિક્ટર મારેરોએ તેમને સંભવિત 235થી 293 મહિનાની સજાની મર્યાદામાં સૌથી ઓછી એટલે કે 235 મહિનાની સજા ફટકારી છે.
સજા રદ કરવાની માંગ કરી શકે છે
નિખિલ ગુપ્તા બંધારણીય અથવા અદાલતના અધિકારક્ષેત્રને લગતા આધારો પર પોતાની સજા રદ કરવાની, દૂર કરવાની અથવા તેમાં સુધારો કરવાની માંગ કરી શકે છે. આ ઉપરાંત, જો તેમને પોતાના વકીલ તરફથી યોગ્ય કાનૂની મદદ મળી ન હોવાનો આધાર હોય તો તેના આધારે પણ કાનૂની કાર્યવાહી કરી શકે છે.
સજા ઘટાડવાની અરજી કરી શકે છે
બ્યુરો ઓફ પ્રિઝન્સ દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેઓ સજા સંભળાવનાર અદાલતમાં અરજી કરી શકે છે. આ અરજીમાં ગંભીર બીમારી અથવા પરિવાર સાથે જોડાયેલી અસાધારણ પરિસ્થિતિઓના આધારે સજા ઘટાડવાની માંગ કરી શકાય છે.
આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ અન્ય ગુનાની તપાસ અથવા કેસની કાર્યવાહીમાં સરકારને સહયોગ આપે, તો સરકાર દ્વારા અરજી કરવામાં આવે તેના આધારે પણ પાછળથી સજામાં ફેરફાર થઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે માફી માંગી શકે છે
નિખિલ ગુપ્તા અમેરિકાના રાષ્ટ્રપતિ સમક્ષ સજા ઘટાડવા અથવા માફી આપવા માટે અરજી કરી શકે છે. જોકે, વિદેશી કાવતરાં સાથે જોડાયેલા ગંભીર ફેડરલ કેસોમાં આવી માફી ભાગ્યે જ આપવામાં આવે છે.
નિખિલ ગુપ્તાના વકીલે શું કહ્યું?
નિખિલ ગુપ્તાનાં વકીલ ઇસાબેલ કિર્શનરે દલીલ કરી હતી કે આ સમગ્ર મામલામાં નિખિલ ગુપ્તા મુખ્ય કાવતરાખોર નહોતા અને તેમને તેમની પોતાની ભૂમિકાના આધારે જ સજા મળવી જોઈએ.
તેમણે અદાલત સમક્ષ નિખિલ ગુપ્તાનો પક્ષ રજૂ કરવા માટે વધુ સમયની માંગ કરી હતી. વકીલે જણાવ્યું હતું કે કેસ સાથે જોડાયેલા અનેક દસ્તાવેજો અને પુરાવાઓની હજુ સમીક્ષા કરવાની બાકી છે.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેમણે આ કેસની જવાબદારી સંભાળી ત્યારે નિખિલ ગુપ્તા પોતાનો ગુનો સ્વીકારી ચૂક્યા હતા. તેથી તેમને ગુપ્તા સાથે મુલાકાત કરવા અને તમામ દસ્તાવેજોની સમીક્ષા કરવા માટે વધુ સમયની જરૂર હતી, જેથી અદાલત સમક્ષ મજબૂત રીતે તેમનો પક્ષ રજૂ કરી શકાય.
આ પણ વાંચો:Arunachal Pradesh: 11,200 MWના ડેમ પ્રોજેક્ટ પર વિરોધ વચ્ચે અમિત શાહની મોટી ખાતરી, કહ્યું- સંસ્કૃતિ સાથે સમાધાન નહીં