વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસના અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. 

https://twitter.com/narendramodi/status/2073412135770808736

શું કહ્યું વડાપ્રધાન મોદી?

PM મોદીએ કહ્યું કે, “140 કરોડ ભારતીયોની તરફથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની જનતાને સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકા માત્ર વ્યૂહાત્મક ભાગીદારો જ નથી, પરંતુ બંને દેશો લોકશાહી, કાયદાના શાસન અને માનવ ક્ષમતામાં સમાન વિશ્વાસ ધરાવે છે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં અમેરિકા શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિના નવા શિખરો સર કરશે. સાથે જ ભારત-અમેરિકાની ભાગીદારી વધુ મજબૂત બનશે અને બંને દેશો વૈશ્વિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. 

PM મોદીના શુભેચ્છા સંદેશ બદલ અમેરિકાના રાજદૂત સર્ઝિયો ગોરે સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. ફેબ્રુઆરી 2025 પછી બંને નેતાઓની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી.

બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો 

છેલ્લા કેટલાક સમય દરમિયાન વેપાર શુલ્ક, ઈમિગ્રેશન નીતિ અને અન્ય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો સામે આવ્યા હતા. તેમ છતાં, બંને દેશો વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન સહિત અનેક શહેરોમાં ભવ્ય પરેડ, સંગીત કાર્યક્રમો અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરને અમેરિકાના ઇતિહાસ અને લોકશાહી પરંપરાના મહત્વપૂર્ણ ઉજવણી તરીકે જોવામાં આવ્યો.

આ પણ વાંચો : PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની મળી ધમકી, મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ