મુંબઇમાં પીએમ મોદી અને યુકેના પીએમ કીર સ્ટાર્મર સાથે દ્વિપક્ષીય બેઠક મળી. જે બાદ પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં પ્રગતિ થઇ છે. ભારત અને બ્રિટન વચ્ચે મહત્વના સમજૂતી કરાર થયા છે. તેમણે યુક્રેન યુદ્ધ સંઘર્ષ વિશે પણ કીર સ્ટાર્મર સાથે વાત કરી. ગાંઝામાં શાંતિના પ્રયાસોનું ભારતે સમર્થન આપ્યું છે. સંવાદ અને કૂટનીતિથી ગાઝામાં શાંતિ સ્થપાઇ છે.
ભારત અને યુકેના સંબંધોમાં પ્રગતિ થઇ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે મુંબઈમાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનું સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે. પ્રધાનમંત્રી સ્ટાર્મરના નેતૃત્વમાં, ભારત-યુકે સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વર્ષે જુલાઈમાં મારી યુકે મુલાકાત દરમિયાન અમે ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કરાર પર પહોંચ્યા હતા.
મહત્વના સમજૂતી કરાર થયા- પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વ્યાપક વાટાઘાટો કરી. આ ચર્ચાઓ મુખ્યત્વે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત-યુકે સંબંધોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી. પીએમ મોદીએ કહ્યું કે આ સમજૂતી કરારોથી રોજગારીનું સર્જન થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "ભારત અને યુકે કુદરતી ભાગીદારો છે. આપણો સંબંધ લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સહિયારી માન્યતા પર આધારિત છે. વૈશ્વિક અસ્થિરતાના વર્તમાન યુગમાં, ભારત અને યુકે વચ્ચે વધતી ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને આર્થિક પ્રગતિનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજની બેઠકમાં અમે ઈન્ડો-પેસિફિક, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા અને યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરી. યુક્રેન સંઘર્ષ અને ગાઝાના મુદ્દાઓ પર, ભારત સંવાદ અને રાજદ્વારી દ્વારા શાંતિ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં, અમે દરિયાઈ સુરક્ષા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.