અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફની સૌથી વધુ અસર તમિલનાડુ રાજ્ય પર પડશે. રાજ્યના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને શનિવારે X પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. તેમણે અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોની તુલનામાં આ ટેરિફની સૌથી વધુ અસર તમિલનાડુ પર પડશે કારણ કે તે અમેરિકાના બજારમાં સૌથી વધુ નિકાસ કરે છે.



તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે યુએસ ટેરિફ 25%થી વધીને 50% થઈ ગયો છે. આ ટેરિફને કારણે તમિલનાડુના અર્થતંત્રને સૌથી વધુ અસર થઈ રહી છે. યુએસ ટેરિફને કારણે કાપડ, ચામડું, ઓટો, મશીનરી અને અન્ય ક્ષેત્રોમાં લાખો નોકરીઓ જોખમમાં છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે યુએસ ટેરિફને કારણે 75 લાખ લોકોની રોજગારી પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત 30 લાખ નોકરીઓ પર સંકટ વધુ ઘેરું બની શકે છે. મુખ્યપ્રધાને આ અંગે પીએમ મોદીને પત્ર લખ્યો છે.

52.1 અબજ ડોલરની નિકાસમાંથી 31 ટકા યુએસમાં જાય છે

મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે તમિલનાડુની $52.1 બિલિયન નિકાસનો 31 ટકા હિસ્સો અમેરિકામાં જાય છે, જે ભારતની કુલ નિકાસના 20 ટકા કરતાં ઘણો વધારે છે. તમિલનાડુનું અર્થતંત્ર કાપડ, વસ્ત્રો, મશીનરી, ઓટો પાર્ટ્સ, ચામડું, દરિયાઈ ઉત્પાદનો અને રસાયણો જેવા શ્રમ-સઘન ક્ષેત્રો પર આધારિત છે. આ ક્ષેત્રોમાં ટેરિફ વધવાથી મોટાપાયે છટણીનો ભય છે. ખાસ કરીને કાપડ ભારતની નિકાસમાં 28 ટકા ફાળો આપે છે. જો ટેરિફ વધે છે તો રાજ્યમાં રોજગાર અને નોકરીઓ પર મોટું સંકટ આવી શકે છે.

કેન્દ્ર પાસેથી રાહત પેકેજની માગ

મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને કેન્દ્ર પાસેથી મોટા રાહત પેકેજની માગ કરી છે, જેમાં ડ્યુટી માળખામાં સુધારો, તમામ પ્રકારના કપાસ પર આયાત ડ્યુટીમાંથી મુક્તિ, ઈમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ કોલેટરલ-મુક્ત લોન, વ્યાજ સબસિડી અને ગ્રેસ પીરિયડનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાને કહ્યું કે રોડટેપ સ્કીમનો લાભ વધારીને 5 ટકા કરવામાં આવે, સાથે જ બ્રાઝિલની જેમ ટેક્સમાં છૂટ અને લોન જેવા પગલાંને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. 

  • Follow us on: