ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ જહાજ પર અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત બાદ ભારતે અમેરિકા સામે અત્યંત કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોન પર વાતચીત કરીને આ ઘટના અંગે ભારતની તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોમર્શિયલ જહાજો વિરુદ્ધ આ પ્રકારની ઘાતક સૈન્ય કાર્યવાહી કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય કે યોગ્ય નથી. આ ઘટનાને લઈને ભારતે રાજદ્વારી સ્તરે પણ ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે.
વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમણે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરીને ખાડી વિસ્તારમાં અમેરિકી નૌસેનાના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત અંગે ભારતનો વિરોધ પુનરાવર્તિત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, વેપારી જહાજોને નિશાન બનાવવાથી વૈશ્વિક દરિયાઈ સુરક્ષા પર ગંભીર અસરો પડે છે.
અમેરિકા સમક્ષ આ મુદ્દો મજબૂતાઈથી ઉઠાવ્યો
આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકી રાજદ્વારી જેસન મીક્સને બીજી વખત તેડું મોકલ્યું હતું. ભારતે કોમર્શિયલ જહાજો પરના હુમલાને "અત્યંત ચિંતાજનક" ગણાવીને અમેરિકા સમક્ષ આ મુદ્દો મજબૂતાઈથી ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ પણ અમેરિકી કાર્યવાહીની આકરી ટીકા કરી છે.
અમેરિકી સેનાએ આપી સફાઈ
અમેરિકી સેનાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે, 'MT સેટેબેલો' જહાજને તે સમયે નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યારે તે ઈરાન સાથે જોડાયેલા જહાજો પર લાદવામાં આવેલા પ્રતિબંધોને લાગુ કરવા દરમિયાન અમેરિકી દળોના નિર્દેશોનું પાલન નહોતું કરી રહ્યું. જોકે, ભારત સરકારે આ સફાઈ છતાં પણ સમગ્ર ઘટના પર ગંભીર વાંધો ઉઠાવ્યો છે અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે.
સુરક્ષા એજન્સીઓને કરાઈ એલર્ટ
આ ઘટના બાદ ભારત સરકારે સંબંધિત સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ ભારતીય નૌસેના અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ અધિકારીઓ સાથે સંકલન વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ભારતીય નાગરિકો અને જહાજોની સુરક્ષાને સંપૂર્ણપણે સુનિશ્ચિત કરી શકાય.
કુલ 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા
ઉલ્લેખનીય છે કે, ઓમાનના તટ નજીક પલાઉના ધ્વજવાળા ઓઇલ ટેન્કર 'MT સેટેબેલો' પર અમેરિકી નૌસેનાએ આ કાર્યવાહી કરી હતી. આ જહાજ પર કુલ 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 21 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ નામના ત્રણ ભારતીય નાવિકોના મોત થયા છે.