અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી અઠવાડિયે ભારતના પ્રવાસે આવવાની શક્યતા છે. આ મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રૂબિયો સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે અમેરિકી દૂતાવાસની સમગ્ર ટીમ એક અઠવાડિયા પછી ભારતમાં તેમનું સ્વાગત કરવા આતુર છે.
https://twitter.com/USAmbIndia/status/2055544318786486489
પ્રથમ ભારત પ્રવાસ રહેશે
મળતી માહિતી મુજબ માર્કો રૂબિયો 24 મેના રોજ ભારત આવી શકે છે. વિદેશ મંત્રી બન્યા બાદ તેમનો આ પ્રથમ ભારત પ્રવાસ રહેશે. પ્રવાસ દરમિયાન તેઓ QUAD દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા, ચીનની વધતી ગતિવિધિઓ અને દરિયાઈ સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
એસ.જયશંકર સાથે કરશે મુલાકાત
મળતી માહિતી મુજબ રૂબિયો નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તેમજ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથે પણ મુલાકાત કરી શકે છે. થોડા સમય પહેલાં વિક્રમ મિસ્રી અમેરિકાના વોશિંગ્ટન પ્રવાસે ગયા હતા, ત્યારબાદ હવે આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. ગત કેટલાક મહિનાઓમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, ઊર્જા સુરક્ષા અને અન્ય મુદ્દાઓને લઈને કેટલાક મતભેદો સામે આવ્યા હતા. આવી સ્થિતિમાં રૂબિયોની આ મુલાકાત બંને દેશોના સંબંધોને નવી દિશા આપી શકે છે. ચર્ચામાં વેપાર, ટેક્નોલોજી ભાગીદારી અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પણ સામેલ રહી શકે છે.
QUAD ભાગીદારીને વધુ મજબૂત બનાવશે
કોલકાતા સ્થિત અમેરિકી ડિપ્લોમેટિક વર્તુળ સાથે જોડાયેલા અધિકારીઓએ પણ સંકેત આપ્યા છે કે રૂબિયોની ભારત મુલાકાત લગભગ નિશ્ચિત છે, જોકે અમેરિકી દૂતાવાસ તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે આ પ્રવાસ QUAD ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને નવી ગતિ આપશે.
આ પણ વાંચો : US Gas Stations:ઈરાને અમેરિકામાં હેક કર્યા ગેસ સ્ટેશન!ફ્યુઅલ ટેન્ક સિસ્ટમમાં ઘૂસણખોરી કરતા લોકો હેરાન