અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય અને રાજદ્વારી તણાવ વચ્ચે હવે સાયબર વોર (Cyber War) પણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાના અનેક રાજ્યોમાં આવેલા ગેસ સ્ટેશનોની ફ્યુઅલ ટેન્ક મોનિટરિંગ સિસ્ટમમાં મોટી સેંધમારી થવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અમેરિકી અધિકારીઓને મજબૂત શંકા છે કે આ આક્રમક સાયબર હુમલા પાછળ ઈરાન સમર્થિત હેકર્સનો હાથ છે. જો કે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટા ભૌતિક નુકસાનના અહેવાલ નથી.
અહેવાલો અનુસાર, હેકર્સે ગેસ સ્ટેશનોમાં ઉપયોગમાં લેવાતી ઓટોમેટિક ટેન્ક ગેજ (ATG) સિસ્ટમને નિશાન બનાવી છે. આ સિસ્ટમ ગેસ સ્ટેશનના અંડરગ્રાઉન્ડ ફ્યુઅલ ટેન્કમાં રહેલા ઓઈલ અને ગેસના જથ્થા પર નજર રાખે છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આમાંની ઘણી ATG સિસ્ટમ પાસવર્ડ પ્રોટેક્શન વિના જ સીધી ઈન્ટરનેટ સાથે જોડાયેલી હતી, જેનો ફાયદો ઉઠાવીને ઈરાની હેકર્સે સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો
સીએનએન (CNN) ના રિપોર્ટ અનુસાર, હેકર્સે કેટલીક જગ્યાઓ પર ટેન્કની સ્ક્રીન પર દેખાતા રીડિંગ ડેટા સાથે છેડછાડ કરી હતી, જો કે વાસ્તવિક ફ્યુઅલ લેવલમાં કોઈ ફેરફાર થઈ શક્યો નહોતો. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, આ હુમલો અત્યંત ચિંતાજનક છે. જો હેકર્સ આ સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે, તો તેઓ ગેસ લીકેજ કે ફ્યુઅલ ઓવરફ્લો જેવી ગંભીર આપત્તિઓને છુપાવી શકે છે, જે મોટી દુર્ઘટના નોતરી શકે છે. આ જ કારણ છે કે અમેરિકી એજન્સીઓ આ ઘટનાને દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડીને જોઈ રહી છે.
ઈરાનનું સાયબર નેટવર્ક બન્યું વધુ આક્રમક
ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થયેલા અમેરિકા-ઈરાન તણાવ બાદ તેહરાન સાથે જોડાયેલા સાયબર ગ્રુપોએ અમેરિકાની ઓઈલ અને ગેસ સાઈટ્સ, વોટર સપ્લાય સિસ્ટમ અને મેડિકલ કંપનીઓને પણ નિશાન બનાવી છે. એટલું જ નહીં, એફબીઆઈ (FBI) ના ડિરેક્ટર કાશ પટેલના જૂના ઈમેઈલ પણ લીક કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પહેલા ઈરાનની સાયબર ક્ષમતાને ચીન અને રશિયા કરતા નબળી માનવામાં આવતી હતી, પરંતુ હવે ઈરાની હેકર્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને નકલી ઓનલાઈન આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને અત્યંત અનપ્રેડિક્ટેબલ અને ઘાતક સાયબર હુમલા કરી રહ્યા છે.
આ પણ વાંચો:Iran US Conflict: ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારને મળશે 558 કરોડનું ઈનામ! ઈરાનની સંસદમાં પ્રસ્તાવ