- ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં બેઠા છે
- પંજાબી ફિલ્મ ઉદ્યોગના નિર્માતાઓ અને દિગ્દર્શકોથી લઈને ક્લબના માલિકો તેમનો ટાર્ગેટ
- NIA દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો થયો
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે મોટો ખુલાસો કર્યો છે. NIA અનુસાર, ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં બેઠા છે અને ભારતમાંથી પૈસા પડાવી રહ્યા છે. પંજાબી ફિલ્મ ઉદ્યોગના નિર્માતાઓ અને દિગ્દર્શકોથી લઈને ક્લબના માલિકો તેમના લક્ષ્યાંકમાં છે. એટલું જ નહીં, આ ખાલિસ્તાની આતંકવાદીઓ ડ્રોન દ્વારા પાકિસ્તાનથી ભારતમાં હથિયારો અને ડ્રગ્સ પણ સપ્લાય કરે છે. તાજેતરમાં NIA દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો થયો છે.
NIAની ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો થયો
ચાર્જશીટ મુજબ ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા ગેંગસ્ટરો પાસેથી 'પ્રોટેક્શન મની' એકઠી કરી રહ્યો છે. ખંડણીના પૈસા હવાલા મારફતે કેનેડા પહોંચે છે. તે ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી હથિયારો અને ડ્રગ્સ સપ્લાય કરે છે. પાકિસ્તાની ISI તેમને આમાં મદદ કરે છે. ખાલિસ્તાની આતંકવાદીઓ પંજાબ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને કબડ્ડી લીગ પર પણ કબજો કરવાની યોજના બનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ખેલાડી સંદીપ નાંગલની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર સનોવર ધિલ્લોન પણ કેનેડામાં બેઠો છે.
નવીન બાલી પાકિસ્તાનથી હથિયારો મોકલી રહ્યો છે
NIAની તપાસમાં સામે આવ્યું છે કે અર્શ દલ્લા ગેંગસ્ટરોને અત્યાધુનિક હથિયારો સપ્લાય કરવા માટે પાકિસ્તાનમાં બેઠેલા તેના સાથી ગેસ્ટર નવીન બાલીની મદદ લે છે. આ હથિયારોને ડ્રોન દ્વારા પંજાબની સરહદ પર મોકલવામાં આવે છે. બંબીહા ગેંગના ગેંગસ્ટરોએ હથિયારોની સપ્લાય માટે ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા સાથે હાથ મિલાવ્યા છે. બદલામાં, આ ગુંડાઓ ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે.
ભારતમાં 700 થી વધુ શૂટર્સ
અર્શ દલ્લાએ 700 થી વધુ શૂટર્સની મદદથી ભારતમાં ટાર્ગેટ કિલિંગ કરવાનું કાવતરું ઘડ્યું હતું. શૂટરોને સારી નોકરી અને મોટી રકમની લાલચ આપીને કેનેડાના વિઝા અપાવીને તેમની ભરતી કરવામાં આવી છે. NIAની તપાસમાં ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની સાંઠગાંઠના મજબૂત પુરાવા મળ્યા છે. NIAએ કોર્ટમાં તે લોકોના નામ જાહેર કર્યા છે જેઓ નિશાના પર હતા. જેમાં મોટા ઉદ્યોગપતિઓ, પંજાબી ગાયકો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો સામેલ છે. ગેંગસ્ટર કૌશલ ચૌધરી, સુખપ્રીત સિંહ અને અમિત ડાગરે વિદેશમાં તેમના સહયોગીઓ સાથે આતંક ફેલાવવા માટે 'કંટ્રોલ રૂમ' તૈયાર કર્યો છે.
દલ્લા નિજ્જરની નજીક હતો
નોટિફિકેશનમાં સરકારે કહ્યું કે કેનેડામાં રહેતો અર્શદીપ ઉર્ફે અર્શ દલ્લા ટાર્ગેટ કિલિંગ, ખંડણી, ટેરર ફંડિંગ, હત્યાનો પ્રયાસ, વિવિધ સમુદાયોમાં નફરત ફેલાવવા અને પંજાબના લોકોમાં આતંક ફેલાવવામાં રોકાયેલો છે. અર્શદીપ ઉર્ફે અર્શ દલ્લા અન્ય ઘોષિત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ખૂબ નજીક હતો.