• આસામના ગુવાહાટીમાં નકલી નોટો જપ્ત કરવા મામલે કાર્યવાહી 
  • NIAએ 2019ના એક કેસમાં વધુ 3 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ
  • 50, 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો કરાઇ હતી જપ્ત 

આસામના ગુવાહાટીમાં નકલી નોટો જપ્ત કરવા સંબંધિત 5 વર્ષ જૂના કેસમાં NIAએ મોટી કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2019ના એક કેસમાં વધુ ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ શનિવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે. 

NIAએ જણાવ્યું હતું કે, ગુરૂવારે ખૈરુલ આલોમ ખંડાકર, સિત્ઝલ હક અને સુદીપ બિસ્વાસ વિરુદ્ધ બીજી ચાર્જશીટ દાખલ કરી છે. હવે આ કેસમાં ચાર્જશીટમાં નોંધાયેલા આરોપીઓની કુલ સંખ્યા સાત થઈ ગઈ છે. અગાઉ ડિસેમ્બર 2019માં ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ, મે 2020 માં અન્ય આરોપી વિરુદ્ધ પ્રથમ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

NIAએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સુદીપ બિસ્વાસની ઓળખ મુખ્ય આરોપી તરીકે કરવામાં આવી છે. તેણે સફીકુલ ઇસ્લામ સાથે મળીને નકલી ભારતીય ચલણી નોટો છાપવા અને ગેરકાયદેસર લાભ માટે બજારમાં ફરતી કરવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે બાદમાં સફીકુલ ઈસ્લામ સરકારી સાક્ષી બન્યો હતો. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમના કાવતરાના ભાગરૂપે, આ ​​લોકોએ બજારમાંથી કલર પ્રિન્ટર અને બોન્ડ પેપર ખરીદ્યા હતા. આ પછી 50, 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો છાપવામાં આવી હતી.

તપાસ એજન્સીએ જણાવ્યું કે આસામ પોલીસે આરોપી મતલેબ અલી, અમીર હમઝા અને દિલબર હુસૈનની ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ તેના કબજામાંથી 1,84,000 રૂપિયાની નકલી નોટો પણ જપ્ત કરવામાં આવી હતી. આ લોકોની ધરપકડ બાદ આ મામલો સામે આવ્યો હતો અને ત્યારપછી ઓક્ટોબર 2019માં NIAએ આ કેસને પોતાના હાથમાં લીધો હતો.NIAની તપાસ અનુસાર સુદીપ અને સફીકુલે ત્રણેયને આ નોટો બજારમાં ફરવા માટે આપી હતી. 

  • Follow us on: