• હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદ
  • વાતાવરણમાં પલટો આવતા પ્રવાસી અને વાહનચાલકોને હાલાકી
  •  છેલ્લા 24 કલાકમાં કલ્પા અને કુકુમસેરીમાં 5 સેમી હિમવર્ષા

હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં શનિવારે હિમવર્ષા થઈ હતી, જ્યારે નીચલા અને મધ્ય પર્વતીય વિસ્તારોમાં છુટા છવાયા કરા અને વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 4 એપ્રિલ સુધી હિમવર્ષા સાથે વરસાદ ખાબકશે.

હિમવર્ષા સાથે વરસાદના કારણે હિમાચલ રોડવેઝ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ શનિવારે સવારે કિન્નૌર જિલ્લાના મલિંગ નજીક લપસી જતાં પલટી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે હિમવર્ષાને પગલે મનાલી નજીક રોહતાંગમાં અટલ ટનલમાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. હિમવર્ષા સાથે વરસાદ થતા 168 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વાતાવરણમાં સુધાર આવશે ત્યારે રસ્તાઓ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કલ્પા અને કુકુમસેરીમાં પાંચ સેમી હિમવર્ષા થઈ છે જ્યારે કેલોંગમાં ત્રણ સેમી હિમવર્ષા થઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, શુક્રવારે રાત્રે રાજ્યમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 168 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ રહ્યા હતા. રાજ્યની રાજધાની શિમલા અને કેટલાક અન્ય સ્થળોએ સોલનમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. સ્થાનિક હવામાન કચેરીએ શનિવારે રાજ્યના 12માંથી સાત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કરા અને ભારે વરસાદની આગાહી કરી છે.  

  • Follow us on: