26/11 ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની એક ખાસ ટીમે અમેરિકામાં મહત્વપૂર્ણ જવાબદારી ભજવી હતી. આ ટીમના પ્રયાસો પછી યુએસ કોર્ટે રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. જેના હેઠળ હવે તેને ભારત લાવવામાં આવી રહ્યો છે. ટીમના અધિકારીઓએ માત્ર અમેરિકામાં કેસ ચલાવ્યો જ નહીં પરંતુ ભારતમાં પૂછપરછ માટે તેમની સુરક્ષા અને તૈયારીઓ પણ સુનિશ્ચિત કરી હતી.
આ અધિકારીઓ મહત્ત્વની ભૂમિકામાં
આ ટીમમાં આશિષ બત્રાનો સમાવેશ થાય છે, જે ઝારખંડ પોલીસ કેડરના 1997 બેચના IPS અધિકારી છે. હાલમાં NIAમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે તૈનાત બત્રાએ જહાનાબાદ અને રાંચી જેવા વિસ્તારોમાં સેવા આપી છે. ટીમના બીજા મહત્વપૂર્ણ સભ્ય જયા રાય છે, જે 2011 બેચના ઝારખંડ કેડરના IPS અધિકારી છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) તરીકે કાર્યરત જયા હાલમાં એનઆઈએમાં સિનિયર પબ્લિક રિલેશન્સ ઓફિસરની જવાબદારી પણ સંભાળી રહી છે. તેમની હાજરીથી ટીમ મજબૂત બની. ત્રીજા અધિકારી પ્રભાત કુમાર છે, જે છત્તીસગઢ કેડરના 2019 બેચના IPS છે. NIAમાં પોલીસ અધિક્ષક (SP) તરીકે કાર્યરત પ્રભાતે અમેરિકામાં ટીમ સાથે કામ કર્યું હતું અને રાણાના ભારત આગમનની તૈયારીઓ સંભાળી હતી. તે દિલ્હી એરપોર્ટથી NIA હેડક્વાર્ટર સુધીના સમગ્ર ઓપરેશનના સંયોજક પણ છે. આ ટીમે અમેરિકામાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી રાણાને કસ્ટડીમાં લીધો હતો અને હવે તેને ખાસ ફ્લાઇટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો છે. રાણાને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે, જ્યાં તેમની સુરક્ષા અને પૂછપરછ માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રત્યાર્પણ ભારતની રાજદ્વારી અને કાનૂની સફળતાનું પણ પ્રતીક છે.
તહવ્વુર રાણાની સમય રેખા પર એક નજર
26-11ના મુંબઈ હુમલા સાથે સંબંધિત તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ કેસનો નિર્ણય આખરે લાંબી કાનૂની લડાઈ બાદ ભારતની તરફેણમાં આવ્યો છે. અમેરિકાની અદાલતોમાં એક પછી એક અરજીઓ ફગાવી દેવાથી, ભારત માટે રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો છે અને તહવ્વુર રાણાને લઈ જતું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું છે. આ પ્રક્રિયામાં ઘણા મહત્વપૂર્ણ તબક્કા હતા.
ઓગસ્ટ 2024: યુએસ નવમી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણના આદેશને સમર્થન આપ્યું. આ નિર્ણયથી રાણા સામે ભારતના દાવાને મજબૂતી મળી.
નવેમ્બર 2024: રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં રિટ ઓફ સર્ટિઓરારી દાખલ કરી. જેમાં અપીલ કોર્ટના નિર્ણયની સમીક્ષાની માંગ કરવામાં આવી. આ તેમના તરફથી એક મોટું કાનૂની પગલું હતું.
જાન્યુઆરી 2025: યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવી દીધી. આ નિર્ણયથી ભારત માટે પ્રત્યાર્પણનો માર્ગ સરળ બન્યો.
માર્ચ 2025: રાણાએ પ્રત્યાર્પણ રોકવા માટે કટોકટી અરજી દાખલ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને પણ ફગાવી દીધી. આ તેમના તરફથી છેલ્લો મોટો પ્રયાસ હતો.
7 એપ્રિલ 2025: યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અંતિમ અપીલ ફગાવી દીધી. આ સાથે, રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવતી બધી કાનૂની અડચણો દૂર થઈ ગઈ.