સામાન્ય રીતે આપણે કોર્ટ, ફિલ્મો અને વકીલોની ચેમ્બર્સમાં આંખો પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની મૂર્તિ જોઈ હશે. પરંતુ હવે ન્યાયની દેવી ખુલ્લી આંખે જોવા મળી શકે છે. મળતા અહેવાલો મુજબ હવે ન્યાયની દેવીના આંખ પરથી પટ્ટી હટાવાની સાથે તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણ મુકવામાં આવી શકે છે.
ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટ્યા બાદ અને તેમના હાથમાં બંધારણ જોવા મળશે ત્યારે દેશના ન્યાયમાં એક નવી જ ઉર્જા જોવા મળશે. આ પહેલા અંગ્રેજોના કાળથી ચાલી રહેલા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારથી જ ભારતીય ન્યાયપાલિકાએ બ્રિટિશ કાળને પાછળ છોડતા નવા રંગરૂપ અપનાવવાનું શરૂ કરી દીધું છે. આ મહત્ત્વનો નિર્ણય કરાયા બાદ હવે વકીલોના ચેમ્બરમાં જોવા મળતી 'ન્યાયની દેવી'ની મૂર્તિ બદલાઈ જશે.
ન્યાયની દેવીની આંખો પર બાંધેલી પટ્ટી હટાવાઈ
મીડિયા અહેવાલો મુજબ આ પહેલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડીવાય ચંદ્રચૂડ દ્વારા હાથ ધરવામાં આવી છે. આવું જ સ્ટેચ્યૂ સુપ્રીમ કોર્ટમાં જજોની લાઈબ્રેરીમાં લગાવવામાં આવે તેવા નિર્દેશ અપાયા છે. આ નિર્ણયથી દેશની પ્રજાને એવો સંદેશ મળશે કે, હવે કાયદો આંધળો નથી.
હાથમાં તલવારને બદલે બંધારણ
આ રીતે દેશની સર્વોચ્ચ અદાલતે સંદેશો આપ્યો છે કે હવે કાયદો આંધળો નથી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નિર્દેશ પર ન્યાયની દેવીની આંખ પરથી પાટા હટાવીને તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણને સ્થાન આપવામાં આવ્યું છે. મૂર્તિના હાથમાં ત્રાજવુંનો અર્થ એ છે કે ન્યાયની દેવી નિર્ણય લેવા માટે કેસના પુરાવા અને તથ્યોનું વજન કરે છે. તલવારનો અર્થ એ હતો કે ન્યાય ઝડપી અને અંતિમ હશે.
અત્યાર સુધી ન્યાયની પ્રતિમા આંખે પાટા બાંધતી હતી. તેના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી. આને લગતો વાક્ય હેડલાઇન્સમાં રહે છે કે 'કાયદો આંધળો છે'. કોર્ટમાં દેખાતી પ્રતિમાને લેડી જસ્ટિસ સ્ટેચ્યુ કહેવામાં આવે છે. આ મૂર્તિ ઇજિપ્તની દેવી માત અને ગ્રીક દેવી થેમિસના નામથી ઓળખાય છે.