- બૌદ્ધ મઠોને તોડીને બનાવાયા મંદિરો-મસ્જિદો: અરજદાર
- કેદારનાથ અને બદ્રીનાથને લઈને પણ દાખલ કરશે અરજી
- ASI સર્વે થશે તો જ્ઞાનવાપીમાં બૌદ્ધ મઠ મળશે: બૌદ્ધ ધર્મ ગુરુ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે કેસમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય આપતા ASIના સર્વેની મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં, 21 જુલાઈએ વારાણસી જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપીમાં ASI સર્વેનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે પહેલા સુપ્રીમ કોર્ટ અને બાદમાં હાઇકોર્ટમાં ASI સર્વેના ચુકાદાને પડકારતા અરજી કરી હતી. હવે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું, ન્યાયના હિતમાં ASI સર્વે જરૂરી છે. તેને અમુક શરતો હેઠળ અમલમાં મૂકવાની જરૂર છે.

ત્યારે, હવે આ મામલે વધુ એક નવો વળાંક આવી ગયો છે. એક બૌદ્ધ ધર્મ ગુરુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે જ્ઞાનવાપી મંદિર કે મસ્જિદ નહિ પરંતુ તેમનો બૌદ્ધ મઠ છે. બૌદ્ધ ધર્મ ગુરુ સુમિત રતન ભંતેના જણાવ્યા અનુસાર દેશના ઘણા એવા મંદિરો છે જે બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યા છે. જ્ઞાનવાપીમાં મળેલ ત્રિશુળ અને સ્વસ્તિકના ચિન્હો બૌદ્ધ ધર્મના પર્યટક છે. કેદારનાથ અથવા જ્ઞાનવાપીમાં જેને જ્યોતિર્લિંગ બતાવવામાં આવી રહ્યા છે તે બૌદ્ધ ધર્મના સ્તૂપ છે. જ્ઞાનવાપી ન તો મંદિર છે ન તો મસ્જિદ છે. પરંતુ તે એક બૌદ્ધ મઠ છે.
બૌદ્ધ મઠોને તોડીને બનાવાયા મંદિરો
સુમિત રતન ભંતેએ દેશમાં બૌદ્ધ મઠોની શોધ શરૂ કરી છે. તેમણે કહ્યું છે કે અમે નવી શોધ શરૂ કરી છે કે જૈન અને બૌદ્ધ મઠોને તોડીને મંદિર અથવા અન્ય ધાર્મિક સ્થળ બનાવવામાં આવ્યા છે. તમામ મંદિરો અને મસ્જિદોને તેમના મૂળ સ્વરૂપમાં હોવું જોઈએ. જ્યાં જ્યાં બૌદ્ધ મઠના તેમના મૂળ રૂપ બદલી દેવામાં આવ્યા છે. બૌદ્ધ મઠોએ તેમના મૂળરૂપમાં લાવવા જોઈએ. સુમિત રતનએ કહ્યું છે કે બૌદ્ધ ધર્મમાં માનનારા લોકોની વસ્તી પણ તેમ જ ઈચ્છે છે.
કેદારનાથ અને બદ્રીનાથને લઈને પણ દાખલ કરશે અરજી
સાથે સાથે, તેમણે જણાવ્યું કે અમે કેદારનાથ અને બદ્રીનાથ સહિત અન્ય મંદિરોને લઈને પણ અરજી દાખલ કરીશું. સનાતન બૌદ્ધ ધર્મ સૌથી જૂનો ધર્મ છે. જ્ઞાનવાપીને લઈને તેમણે કહ્યું કે ASIએ અહી સર્વે કર્યો તો ત્યાં તેમને બૌદ્ધ મઠ જ મળશે અને જો તેમ થાય છે તો જ્ઞાનવાપી અમને સોંપી દેવામાં આવે.
સૌથી જૂનો છે બૌદ્ધ ધર્મ
બૌદ્ધ ધર્મના ગુરુના જણાવ્યા અનુસાર, ઇસ્લામ 1500 વર્ષ પહેલાં આવ્યો હતો અને હિંદુ ધર્મ 1200 વર્ષ પહેલાં આવ્યો હતો. પરંતુ, બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષ પહેલાનો છે. દેશમાં અંદરોઅંદર મતભેદની જે પરંપરા શરૂ થઈ છે તે અયોગ્ય છે. તેમણે કહ્યું કે બૌદ્ધ મઠોનો પણ સર્વે કરીને બૌદ્ધ સમાજને પરત કરવામાં આવે. જો યોગ્ય નિર્ણય હોત તો ત્યાં બૌદ્ધ મઠ હોત.
પહેલા સર્વે પર પ્રતિબંધ, બાદમાં મંજૂરી
જણાવી દઈએ કે આજે જ અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, ન્યાયના હિતમાં ASI સર્વે જરૂરી છે. તેને અમુક શરતો હેઠળ અમલમાં મૂકવાની જરૂર છે. મહત્વનું છે કે, ગત દિવસોમાં જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે શુક્રવારે મસ્જિદ પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ASIએ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટ સુધીમાં વારાણસીની જિલ્લા અદાલતમાં જમા કરાવવાનો હતો. આ આદેશ બાદ સોમવારે ASIની ટીમ તેનો સર્વે કરવા જ્ઞાનવાપી પહોંચી હતી. પરંતુ, મુસ્લિમ પક્ષે આ સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સર્વે પર બે દિવસનો સ્ટે આપતા કોર્ટે મસ્જિદ કમિટીને હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પછી મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી.