ભારતે આતંકવાદનો ખાતમો કરવા પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જા હેઠળના આતંકવાદીઓના ઠેકાણાઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરી. બુધવારે રાત્રે 1.30 વાગ્યે ભારતીય સુરક્ષાદળોએ બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ હુમલા કર્યા હતા. આ એ જ ઠેકાણા છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો. ભારતની સર્જીકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો મુજબ, બહાવલપુરમાં હવાઈ હુમલામાં 30 લોકોના મોત થયા છે જ્યારે ભારતના 10 નાગરીકોના મોત થયા છે.


પાકિસ્તાનના હુમલામાં 10ના મોત 50 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીકના ડઝનબંધ ગામોમાં પાકિસ્તાની સેના દ્વારા રાત્રે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેના પણ આ હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે તેમ એક સેના અધિકારીએ જણાવ્યું. વધુમાં તેમણે કહ્યું કે મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની સેના દ્વારા રાજૌરીના થાંડિકાસી, પૂંછ અને તંગધારમાં નિયંત્રણ રેખા અને ઉરી સેક્ટરમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ અંધાધૂંધ ગોળીબારમાં દસ નાગરિકોના મોત થયા. જ્યારે 50 થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાએ પૂંછ, રાજૌરી અને ઉરીમાં અંધાધૂધ ગોળીબાર કર્યો જેમાં લોકોના ઘરોને પણ નુકસાન થયું છે. ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યા છે. 

શિક્ષણસંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય

પ્રાપ્ત સૂત્રો મુજબ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા બાદ પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેના બાદ આજે જમ્મુ-કાશ્મીરમાં શિક્ષણ સંસ્થાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.જે અંતર્ગત બુધવારે જમ્મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે X ને જણાવ્યું હતું કે "પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં આજે બધી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે."

  • Follow us on: