ભારતે પાકિસ્તાનના પીઓકે વિસ્તારના આતંકી ઠેકાણાઓ સહિત કરેલા ‘ઓપરેશન સિંદૂર’ ની વૈશ્વિક પ્રતિષ્ઠા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીમવામાં આવેલા સર્વપક્ષીય સભ્યોનું મંડળ પરદેશ જવાનું છે. જેમાં દુશ્મન દેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરશે. આપના દેશના નેતાઓનો વૈશ્વિક નેતાઓને એવો સંદેશ હશે કે, ભારતે નક્કી કર્યું છે, હવે બહુ થયું. ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાનના જુઠ્ઠાણાની ફેક્ટરીનો પર્દાફાશ થશે.
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત વિવિધ દેશોમાં તમામ પક્ષોમાંથી પસંદ કરાયેલા દેશના સાંસદ પ્રતિનિધિઓનું મંડળ મોકલી રહ્યું છે. અગાઉ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાંથી ત્રણના સભ્યો, સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને માહિતી આપી હતી. આ પ્રતિનિધિમંડળ ઘણા દેશોની રાજધાનીઓની મુલાકાત લેશે અને પાકિસ્તાનમાં પોષાયેલા આતંકવાદ સામે ભારતના કડક વલણને વિશ્વ સમક્ષ રજૂ કરશે.
શ્રીકાંત શિંદે, સંજય ઝાની ટીમ આજે વિદેશ જવા રવાના થશે
જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા જેડી(યુ) નેતા સંજય ઝાએ કહ્યું કે, "વૈશ્વિક નેતાઓને તેમનો સંદેશ એ હશે કે ભારતે નક્કી કર્યું છે કે હવે બહુ થયું." સંજય ઝા અને શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં બે પ્રતિનિધિમંડળ આજે રવાના થવાના છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ ભારતે આતંકવાદ સામે કાર્યવાહીના તેના આશ્વાસનો પર વિશ્વાસ કર્યો છે, ત્યારે પાકિસ્તાન વારંવાર એવું વર્તન કરે છે જાણે કોઈ ચોરને તેના ગુનાની તપાસ કરવાનું કહેવામાં આવી રહ્યું હોય. ઝાનું પ્રતિનિધિમંડળ સવારે 11.40 વાગ્યે જાપાન જવા રવાના થશે, જ્યારે શ્રીકાંત શિંદેનું પ્રતિનિધિમંડળ રાત્રે 9 વાગ્યે યુએઈ જવા રવાના થશે. આ ઉપરાંત, લોકસભા સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે રવાના થશે.
સલમાન ખુર્શીદે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસથીનો દાવો નકારી કાઢયો
સંયુક્ત આરબ અમીરાત અને અનેક આફ્રિકન દેશોની મુલાકાત લેવાના નિર્ધારિત પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા રજૂ કરશે અને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં તેની ભૂમિકા અંગે ચર્ચા કરશે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે સ્પષ્ટ કર્યું કે, લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાન દ્વારા પરસ્પર લેવામાં આવ્યો હતો, તેમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી નહોતી. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અગાઉના દાવાને નકારી કાઢ્યો.
હવે ભારત સહન કરશે નહીં, બદલો લેશે
વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે, "ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ તે તેની ધરતી પર કોઈપણ આતંકવાદી હુમલાને સહન કરશે નહીં અને તેની 'નવી' પદ્ધતિ મુજબ બદલો લેશે." નોંધનીય છે કે ભારતે સાફ સમજાવી દીધું છે, આતંકવાદી હુમલા કે કાંકરિચળાનો બદલો એક્ટ ઓફ વોર એટલે કે યુદ્ધ હશે.