ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વિવિધ શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ભારતના વીર જવાનોની બહાદુરતા અને તેમના શોર્યને સલામી આપવામાં આવી રહી છે. ત્યારે યુપીના લખનૌમાં પણ તિંરગા યાત્રાનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સંબોધન કરતા કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનનું મનોબળ તોડી નાખ્યું છે. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવીએ છીએ. આ સાથે જ તેમણે દેશ વિરોધી તત્વોને ખુલ્લે આમ ચીમકી આપી દીધી.


ભારતીય સેનાની તાકાત દેશ-દુનિયાએ જોઇ

તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન કરતી વખતે એક સભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની સમગ્ર દેશ અને દુનિયાએ નિંદા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને આ ઘટના પર મૌન ધારણ કર્યું. આતંકવાદી હુમલા અંગે તમામ પુરાવા પૂરા પાડવામાં આવ્યા હોવા છતાં, પાકિસ્તાને તેની ભૂમિકાનો ઇનકાર કર્યો હતો. આખરે ઓપરેશન સિંદૂર શરૂ થાય છે અને પહેલા જ દિવસે 100 થી વધુ આતંકવાદીઓને તેમના જઘન્ય કૃત્ય માટે સજા આપવામાં આવે છે. દેશ અને દુનિયાએ આ જોયું છે અને ભારતીય સેનાની તાકાતનો સ્વીકાર કર્યો છે.


અમને છંછેડશો તો છોડીશું નહી- સીએમ યોગી

સીએમ યોગીએ વધુમાં જણાવ્યુ કે ભારતીય સેનાએ પાકિસ્તાનનું મનોબળ તોડી નાખ્યું છે. પાકિસ્તાને કરેલા પ્રહારનો ભારતના બહાદુર સૈનિકોએ જે તાકાતથી જવાબ આપ્યો છે. ભારતના બહાદુર જવાનોએ દુનિયાને સંદેશ આપ્યો છે કે અમે કોઈને ઉશ્કેરીશું નહીં પરંતુ જો કોઈ અમને ઉશ્કેરશે તો અમે તેને છોડીશું નહીં. અને ભારતે આ કરીને બતાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટી 13 મે થી 23 મે દરમિયાન દેશભરમાં 'તિરંગા યાત્રા'નું આયોજન કરી રહી છે. આ 10 દિવસની લાંબી યાત્રામાં, ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.


  • Follow us on: