જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરતાં સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ જોવા મળ્યું. પહેલગામના આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા. આ હુમલામાં મૃત્યુ પામનાર પરિવારજનો સહિત દેશના નાગરિકો પાકિસ્તાનને સણસણતો જવાબ આપવાની માગ કરી રહ્યા છે. હુમલામાં માર્યા ગયેલા મૃતકોને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે દેશના ખૂણેખૂણેથી જ એક જ માગ ઉઠવા પામી કે આતંકના આકા પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવે. પહેલગામ હુમલાને લઈને ભારતમાં ગઈકાલે સીસીએસની બેઠક યોજાઈ હતી. જેના બાદ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બેઠકમાં લેવાયેલ મહત્વના અને મોટા નિર્ણયની જાહેરાત કરી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ સીસીએસ બેઠકમાં પાકિસ્તાનને લઈને અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે પહેલગામ હુમલાને પગલે ભારત હવે પાકિસ્તાનને અપાતી રાહત પર રોક લગાવી રહ્યું છે. ભારતે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર, 1960ના રોજ કરાચીમાં તત્કાલીન ભારતીય વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની લશ્કરી જનરલ અયુબ ખાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને કરાર થયો હતો. 1960માં થયેલા આ કરાર હેઠળ પાકિસ્તાનને ભારતમાંથી પસાર થતી નદીઓ - સિંધુ, ઝેલમ અને ચિનાબ - નું પાણી મળે છે.
કેમ સિંધુ જળ કરાર આટલો મહત્વનો
સિંધુ નદીના પાણીનો પાકિસ્તાનમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. કહી શકાય કે સિંધુ નદીના જળ વગર પાકિસ્તાનના લોકોનું જીવન અશકય ગણી શકાય. પાકિસ્તાનમાં સિંધુ નદીના જળનો પીવાના પાણી, ખેતીની સિંચાઈ માટે તેમજ વીજળી ઉત્પાદન કરવાને લઈને વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે.
કેમ સિંધુ જળ કરારને આટલા મહત્વના માનવામાં આવે છે તેવા સવાલ આજે લોકોને થતા હશે. પરંતુ ઇતિહાસકારોને આ કરારના મહત્વનો ખ્યાલ હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરારને લઈને એ સમયે એવું વલણ અપનાવવામાં આવ્યું હતું કે કયારેપણ બંને દેશો વચ્ચે સંબંધો બગડે ત્યારે આ કરાર પર અસર થશે નહીં. એટલે કે સિંધુ જળ કરાર ક્યારેય અનિશ્ચિતતાનો શિકાર નહી થાય. પાકિસ્તાન માટે સિંધુનું જળ તેની કરોડરજ્જુ સમાન છે. કહી શકાય કે પાકિસ્તાનનો સમગ્ર આધાર સિંધુ જળ પર છે એટલે કે પાકિસ્તાનમાં ખેતી હોય કે ઉદ્યોગ માટે વીજળીની જરૂર હોય કે પછી સામાન્ય નાગરિકો માટે પીવાના પાણીની જરૂરિયાત હોય સિંધુ નદીનું જળ એકમાત્ર સહારો છે. પાકિસ્તાનના ખેડૂતો સિંધુ નદીની જળથી જ પોતાના ખેતરોમાં વિવિધ પાકોનુ ઉત્પાદન કરતા હોય છે . પાકિસ્તાનના ખેડૂતો માટે અત્યારે ખેતી માટે સારી સિઝન છે. હવે સિંધુ નદીનું જળ નહી મળતા ખેડૂતોએ આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે.
પાકિસ્તાન ખેતી ઉપરાંત વીજળી માટે જળસિંધુ નદીના પાણી પર આધાર રાખે છે. પાકિસ્તાનની વીજળીનો ત્રીજો ભાગ જળવિદ્યુતમાંથી આવે છે. આ જળવિદ્યુત તારબેલા, મંગલા અને અન્ય જળાશયોમાંથી વહેતા પાણીમાંથી ઉત્પન્ન થાય છે. જો ઉપરના પ્રદેશો એટલે કે ભારત તરફથી આવતી નદીઓનો પ્રભાવ ઓછો થાય અથવા ખોટા સમયે પાણી આવે, તો ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. હવે જ્યારે તેમની કરોડરજજુ પર ભારતે પ્રહાર કર્યો છે ત્યારે પાકિસ્તાન અકળાયું છે.
ભારતની જળસિંધુ કરાર સમાપ્ત કરવાની જાહેરાત
જળસિંધુ કરાર સમાપ્ત કરવાની ભારતની જાહેરાત સામે આવ્યા બાદ પાકિસ્તાન થથરી ગયું છે. જેના બાદ પાકિસ્તાનમાં સેના અને પ્રધાનમંત્રી વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. પાકિસ્તાને સિંધુ કરાર સમાપ્ત કરવાના ભારતના નિર્ણયને વખોડયો છે. પાકિસ્તાનને હવે લાગશે કે જ્યારે તેમના શ્વાસ અને આત્મા પર કોઈ નિયંત્રણ કરવા જાય ત્યારે કેવી સ્થિતિ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદી હુમલાને આત્મા પર હુમલો ગણાવ્યો. દુનિયામાં કોઈપણ જીવ હોય જલ વગર જીવન શકય નથી. આજે જ્યારે પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી મળશે નહી ત્યારે તે અનુભવશે કે ગમે તેટલી ટેકનોલોજી અપનાવો, કોઈપણ મોટાદેશના ઓછાયામાં રહી બીજાને ડરાવવા પ્રયાસ કરો પરંતુ સામાન્ય લાગતું પાણી જ્યારે તમને ના મળે ત્યારે તમે તરફડિયા મારવા લાગો છો. અને પાકિસ્તાનની આ જ છટપટાહ જોવા મળી રહી છે અને તે બફાટ પર બફાટ કરતા ભારતના પગલાને વખોડી રહ્યું છે.
જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરનું લોકપ્રિય પર્યટક સ્થાન પહેલગામના બૈસરનમાં આતંકવાદીઓએ સહેલાણીઓએ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ગૃહમંત્રી અમિતશાહ જમ્મુ-કાશ્મીર પંહોચી કમાન સંભાળી હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવી ભારત પરત આવી ગયા હતા. ભારતે આતંકવાદ મુદ્દે મહત્વના પગલા લેતા સિંધુ જળ સંધિ સમાપ્ત કરી, અટારી ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો ઉપરાંત પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા પર પણ પ્રતિબંધ મૂકયો. તેમજ બંને દેશોના સંબંધો પર વધુ અસર કરતાં હાઈકમિશનના સલાહકારો એટલે કે રાજદૂતોને દેશ છોડવાનો આદેશ કરાયો છે અને પાકિસ્તાનમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે.