વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા 2025' માટે અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વડાપ્રધાન મોદીના 'પરીક્ષા પે ચર્ચા'નું આ આઠમું સંસ્કરણ છે. સત્તાવાર વેબસાઈટ મુજબ 12 જાન્યુઆરી, 2025ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં 3 કરોડ 13 લાખ 83 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અરજીઓ સબમિટ કરી છે.


5 લાખથી વધુ વાલીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

આ ઉપરાંત 19 લાખ 66 હજારથી વધુ શિક્ષકો અને 5 લાખ 12 હજારથી વધુ વાલીઓએ પણ 'પરીક્ષા પે ચર્ચા 2025'માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દર વર્ષે યોજાતા પીએમ મોદીના આ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 14 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થઈ હતી, જે 14 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થશે.

ક્યાં અને કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?

  • સૌ પ્રથમ 'પરીક્ષા પે ચર્ચા' ની સત્તાવાર વેબસાઈટ innovateindia1.mygov.in પર જાઓ.
  • પછી હોમ પેજ પર 'પાર્ટિસિપેટ નાઉ' ટેબ પર ક્લિક કરો.
  • તે પછી તમારી કેટેગરી પસંદ કરો જેમ કે વિદ્યાર્થી (સ્વ-ભાગીદારી) - ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થી (શિક્ષક લોગિન દ્વારા ભાગીદારી) - ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જેમની પાસે ઈન્ટરનેટ અથવા ઈમેઈલ આઈડી છે અથવા જેમની પાસે મોબાઈલ નંબરની ઍક્સેસ નથી, શિક્ષકો અને માતાપિતા.
  • તમારી વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
  • કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ કાઢી રાખો.

વડાપ્રધાન મોદીને તમે પ્રશ્નો પૂછી શકો છો

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે. આ દરમિયાન, પીએમ મોદી આ સંદર્ભમાં માતાપિતા અને શિક્ષકો સાથે પણ વાતચીત કરશે, જેથી તેઓ વિદ્યાર્થીઓને તેમના બધા સપના અને લક્ષ્યો પૂરા કરવામાં મદદ કરી શકે અને સક્ષમ બનાવી શકે. મંત્રાલયે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષાના તણાવને ઘટાડવા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને જીવનને ઉજવણી તરીકે ઉજવવા માટે પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જાન્યુઆરી 2025માં દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કરવામાં આવશે. તેનું આયોજન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.

  • Follow us on: