સંસદમાં અત્યાર સુધી વિપક્ષ અદાણી મુદ્દે હોબાળો કરતુ જોવા મળે છે. રાહુલ ગાંધી સદનની બહાર બંધારણ હાથમાં લઇને અદાણી મુદ્દે વિરોધ કરે છે તો સદનની અંદરથી હવે કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી નોટોનું બંડલ મળ્યુ છે. તેને લઇને હવે રાજકારણ તેજ બન્યુ છે. જે સીટ નીચેથી નોટોનું બંડલ મળ્યુ છે તે બેઠક કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીના નામ પર અલોટ છે.
હું તો 500 રૂપિયા જ લઇને જવુ છું- અભિષેક મનુ સિંઘવી
હવે આ મુદ્દે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આવુ તો મે પહેલીવાર સાંભળ્યું, હું જ્યારે પણ રાજ્યસભામાં જાઉં છું ત્યારે મારી સાથે 500 રૂપિયાની નોટ લઈ જઉં છું. હું ગઈકાલે 12.57 વાગ્યે સદનમાં પહોંચ્યો અને 1 વાગે ગૃહની કાર્યવાહી ચાલુ થઇ. પછી 1.30 કલાકે સાંસદ અયોધ્યા રામી રેડ્ડી સાથે બપોરે 1.30 વાગ્યા સુધી કેન્ટીનમાં બેઠો અને પછી સંસદમાંથી નીકળી ગયો હતો. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે મને ખબર નથી કે મામલો શું છે, પરંતુ નોટોનું બંડલ મારું નથી. હું માત્ર 500 રૂપિયા લઈને સંસદ ગયો હતો.
જગદીપ ધનખરે શું કહ્યું ?
આ અંગે સભાપતિ જગદીપ ધનખરે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગૃહ ગુરુવારે સ્થગિત થયા પછી, સુરક્ષા અધિકારીઓએ અમને માહિતી આપી કે સીટ નંબર 222 પરથી રોકડ મળી આવી છે. આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. આ મામલે નિયમ મુજબ તપાસ થવી જોઈએ અને તે પણ થઈ રહી છે.
બંને પક્ષોએ નિંદા કરવી જોઈએઃ નડ્ડા
બીજેપી ચીફ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર મુદ્દો છે. ગૃહની ગરિમા પર હુમલો છે. મને વિશ્વાસ છે કે યોગ્ય તપાસ થશે. મને આશા હતી કે અમારા વિપક્ષી નેતાઓ પણ વિગતવાર તપાસની માંગ કરશે. વિપક્ષે હંમેશા સામાન્ય સમજ જાળવવી જોઈએ. વિગતો સ્વસ્થ મન અને સ્વસ્થ લાગણીઓ સાથે બહાર આવવી જોઈએ. બંને પક્ષોએ આની નિંદા કરવી જોઈએ.