• ભ્રામક જાહેરાતો મામલે બાબા રામદેવને સુપ્રિમની રાહત
  • સુપ્રિમ કોર્ટે માનહાનિ કેસ કર્યો બંધ
  • પતંજલિએ માફીનામુ અગાઉ કર્યુ હતું દાખલ


બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ 'ભ્રામક જાહેરાત કેસ'માં રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે માનહાનિનો કેસ બંધ કરી દીધો છે. મહત્વનું છે કે પતંજલિના ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો આપવાના આ કેસમાં પહેલા જ માફીનામુ દાખલ કરવામાં આવ્યુ હતું. જેનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો છે. જસ્ટિસ હિમા કોહલી અને સંદીપ મહેતાની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય આપ્યો છે.

શું હતો મામલો ?

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ પતંજલિ પર કોવિડ-19 રસીકરણને લઈને ખોટું અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

બાબા રામદેવે કોર્ટમાં માફી માંગી હતી

આ મામલે સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે હાલ આ કેસ સુનાવણીમાં હોવા છતાં પણ બાબા રામદેવ જાહેરાતોમાં જોવા મળી રહ્યા છે. આ અંગે બાબા રામદેવે માફી પણ માગી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે પતંજલિએ અમારા આદેશના 24 કલાકની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જાહેરખબર પ્રકાશિત કરવાથી તમે કોર્ટ વિશે કેવું અનુભવો છો તે દર્શાવે છે. તેના પર રામદેવના વકીલે કહ્યું હતું કે અમારાથી ભૂલ થઈ છે. અમે આનાથી મોં ફેરવી રહ્યા નથી કે છુપાવી રહ્યા નથી. અમે સ્વીકારીએ છીએ. અમે બિનશરતી માફી માંગીએ છીએ.

માફીનો કર્યો કોર્ટે સ્વીકાર

જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચે આજે કોર્ટમાં આ નિર્ણય આપ્યો હતો. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ માનહાનિનો કેસ બંધ કરતી વખતે કોર્ટે કહ્યું કે કોર્ટ આ બંને દ્વારા આપવામાં આવેલી બિનશરતી માફી કોર્ટ સ્વીકારે છે. કોર્ટે બંનેને ભવિષ્યમાં કોર્ટનો અનાદર ન કરવા ચેતવણી પણ આપી હતી.

SCએ 14 મેના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

તમને જણાવી દઈએ કે 14 મેના રોજ બેન્ચે માનહાનિ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 23 એપ્રિલે સમાચાર પત્રોમાં પતંજલિ દ્વારા આપવામાં આવેલી જાહેર માફીના કદને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ પછી પતંજલિ આયુર્વેદે ફરી એકવાર મોટા કદની માફી પ્રકાશિત કરી હતી.


  • Follow us on: