આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે 'નરસિંહ વારાહી વિંગ' બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી જનસેના 'આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં સનાતન ધર્મની રક્ષા' કરવાના પ્રયાસમાં 'નરસિંહ વારાહી વિંગ'ની સ્થાપના કરશે.


'સનાતન વિરુદ્ધ પોસ્ટ સહન નહીં કરીએ'

પવન કલ્યાણે કહ્યું કે, 'હિન્દુ મંદિરોની મુલાકાત લેતી વખતે અને સનાતન ધર્મનું પાલન કરતી વખતે અમુક મૂલ્યો જાળવવા જોઈએ. આપણે સમજવું પડશે કે સનાતન ધર્મ વિના દેશ એવો જ નહીં રહે. સનાતન માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે માર્ગદર્શક પ્રકાશ છે.

તેમણે કહ્યું કે, 'સોશિયલ મીડિયા પર હિન્દુ ધર્મ અથવા સનાતન ધર્મની મજાક ઉડાવતી કોઈપણ પોસ્ટને સહન કરવામાં આવશે નહીં. તે દિશામાં એક પગલા તરીકે જેએસપીએ સનાતન ધર્મ સંરક્ષણ વિંગ અથવા નરસિંહ વારાહી જૂથની રચના કરી છે.'

'આમાં ખોટું શું છે? : ભાજપ

પવન કલ્યાણની જાહેરાત પર ભાજપ નેતા નલીન કોહલીએ કહ્યું કે, 'લોકોએ હદ વટાવી દીધી છે અને સનાતન ધર્મ વિશે વાહિયાત વાતો કરી છે. જુઓ તમિલનાડુના ડેપ્યુટી સીએમએ સનાતન વિશે શું કહ્યું. તેમણે સનાતન ધર્મની સરખામણી એક રોગ સાથે કરી હતી. આવું કોઈ ધર્મ વિશે કહેવું જોઈએ? સનાતનને જ શા માટે નિશાન બનાવવું? જો કોઈ સનાતન ધર્મને મજબૂત કરવા માંગતો હોય તો તેમાં ખોટું શું છે?

'ભાવનાઓને ઠેસ પહોંચાડનારને સજા થશે'

પવન કલ્યાણે કહ્યું કે, 'ચર્ચ અને મસ્જિદનું પણ સન્માન કરવું જોઈએ. તેમજ જો કોઈ સનાતન ધર્મ વિરુદ્ધ કંઈપણ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડશે તો તેને સજા કરવામાં આવશે. હું NDA સરકાર વતી નહીં પણ જનસેના વતી બોલી રહ્યો છું. ઘણા લોકોએ અમને યુવા પાંખ, સાંસ્કૃતિક પાંખ વગેરે રાખવાનું કહ્યું. આ બધા પહેલા લક્ષ્મી નરસિંહ સ્વામીના આશીર્વાદથી હું જાહેરાત કરવા માંગુ છું કે અમે સનાતન ધર્મના રક્ષણ માટે એક પાંખ બનાવીશું.

હું સનાતન ધર્મની રક્ષા કરવા માંગુ છું: પવન કલ્યાણ

પવન કલ્યાણે કહ્યું કે, 'અમે નરસિંહ વારાહી ગણમની ઘોષણા કરી રહ્યા છીએ, જે સનાતન ધર્મના રક્ષણ માટે લોકોની સેનાનું એક જૂથ છે. અમે બન્ને તેલુગુ રાજ્યોમાં સનાતન ધર્મના રક્ષણ માટે તેની રચના કરીશું. હું તમામ ધર્મોનું સન્માન કરું છું પરંતુ મહત્વની વાત એ છે કે હું સનાતન ધર્મની રક્ષા કરવા માંગુ છું અને તેના માટે કામ કરીશ.

  • Follow us on: