આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુએ દક્ષિણના રાજ્યોના લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. આ માટે તેમણે રાજ્યમાં વૃદ્ધોની વધતી જતી વસ્તીનો પણ ઉલ્લેખ કર્યો. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઘટી રહેલા પ્રજનન દર અને વૃદ્ધ વસ્તી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 19 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર વસ્તી વ્યવસ્થાપનનું આયોજન કરી રહી છે.
સરકાર બિલ લાવવા પર વિચાર કરી રહી છે
ટીડીપી પ્રમુખનું કહેવું છે કે, આ માટે સરકાર એક બિલ લાવવા પર પણ વિચાર કરી રહી છે. જેમાં વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે એક કાયદા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, જેના હેઠળ માત્ર એવા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે જેમને બેથી વધુ બાળકો હશે.
'ઘટી રહેલ પ્રજનન દર રાજ્ય માટે ખતરો છે'
ચંદ્રબાબુએ કહ્યું કે, દક્ષિણના રાજ્યોમાં ઝડપથી ઘટી રહેલો પ્રજનન દર રાજ્ય માટે ખતરો છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ભારતનો પ્રજનન દર ઘટીને 1.6 થઈ ગયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 2.1 કરતા ઘણો ઓછો છે. આંધ્રપ્રદેશ અને દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં આવા ઘણા ગામો છે જ્યાં માત્ર વૃદ્ધ લોકો જ બાકી છે. આ વિસ્તારોમાં યુવાનોની વસ્તી ઘટી રહી છે. તેમણે કહ્યું કે, આનાથી રાજ્ય અને દેશ માટે ખતરો બની શકે છે. CM ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, જો સ્થિતિ આવી જ રહી તો 2047 સુધીમાં વૃદ્ધોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થશે.
'વધુ બાળકો ધરાવતા લોકો ચૂંટણી લડશે'
CM ચંદ્રબાબુ નાયડુએ વધુમાં કહ્યું કે, પહેલા આવો કાયદો બનાવવામાં આવ્યો હતો જેમાં વધુ બાળકો ધરાવતા લોકો ચૂંટણી લડી શકતા ન હતા, પરંતુ હવે આ કાયદાને બદલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, જો કે અમારી પાસે 2047 સુધી વસ્તી વિષયક લાભ છે. આંધ્ર સહિત દક્ષિણ ભારતમાં વૃદ્ધત્વની સમસ્યાના સંકેતો દેખાવા લાગ્યા છે, જે ચિંતાનો વિષય છે.
'ઘણા દેશોમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે'
ચંદ્રબાબુએ કહ્યું કે, જાપાન, ચીન અને કેટલાક યુરોપીયન રાષ્ટ્ર જેવા ઘણા દેશો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યાં વૃદ્ધોની વસ્તી વધારે છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ભારતમાં આ સમસ્યા એટલા માટે થઈ રહી છે.,કારણ કે અહીંના યુવાનો દેશના અન્ય ભાગોમાં અથવા વિદેશમાં સ્થળાંતર કરી રહ્યા છે. જો ભારતમાં પ્રજનન દર આ રીતે ઘટતો રહેશે તો ભવિષ્યમાં આપણને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.