- લોકસભાની ચૂંટણીને લઇને કુલ 7 તબક્કામાં મતદાન
- પાંચમા તબક્કાનું 20મેએ યોજાયુ મતદાન
- ચૂંટણી પંચે જાહેર કરી મતદાનની ટકાવારી
લોકસભાની ચૂંટણીને લઇને પાંચમા તબક્કાનું મતદાન સોમવારે પૂર્ણ થયુ. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મંગળવારે રાત્રે કેટલું મતદાન થયુ તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ 62.19 ટકા મતદાન થયુ છે. પરંતુ વર્ષ 2019ની તુલનામાં આ મતદાન 1.97 ટકા ઓછુ છે.
25 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ
મહત્વનું છે કે સોમવારે સાંજે પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા 428 મત વિસ્તારોમાં લોકસભાની ચૂંટણીને લઇને મતદાન પૂર્ણ થઇ ગયુ છે. હવે 25મે અને 1 જૂનના રોજ મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીના પાંચમા તબક્કામાં સાત રાજ્યોની 51 બેઠકો પર મતદાન થયું હતું. જે વખતે 64.16 ટકા મતદાન નોંધાયું હતું.
ચોથા તબક્કામાં કેટલુ મતદાન ?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી 69.16 ટકા હતી, જે 2019ની લોકસભા ચૂંટણીના સમાન તબક્કા કરતાં 3.65 ટકા વધુ છે.
ત્રીજા તબક્કામાં કેટલું મતદાન ?
ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું, જે 2019ની સરખામણીમાં લગભગ એક ટકા ઓછું હતું. 2019 લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 68.4 વોટ પડ્યા હતા.
બીજા તબક્કામાં કેટલું મતદાન?
આ વર્ષે બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન નોંધાયું છે, જે ગત વખતની સરખામણીમાં 1 ટકાથી થોડું ઓછું છે. 2019માં બીજા તબક્કામાં 69.64 ટકા મતદાન થયું હતું.
પ્રથમ તબક્કામાં કેટલુ મતદાન ?
2024માં પ્રથમ તબક્કામાં 66.14 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2019ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 69.43 ટકા મતદાન થયું હતું. મતદાનના આંકડાઓ અંગે ચૂંટણી પંચે કહ્યું કે મતદાનની ટકાવારીના અંતિમ આંકડા પરિણામો પછી જ ઉપલબ્ધ થશે.