વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 23 વર્ષ પહેલા આજના દિવસે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ ભારતની રાજનીતિ માટે એક વળાંક હતો. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે નરેન્દ્ર મોદી કેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમના આ સફળ પાછળની કહાની શું હતી. આ અંગેની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' મોદી આર્કાઈવે માહિતી શેર કરી છે.


RSSના પ્રચારક હતા મોદી

મોદી આર્કાઈવની પોસ્ટ અનુસાર '2001 સુધીમાં મોદીએ જનસેવાના ક્ષેત્રમાં ત્રણ દાયકા પસાર કરી લીધા હતા. RSSના સામાન્ય પ્રચારકથી લઈને ભાજપના સમર્પિત કાર્યકર સુધી તેમણે તેના નેતૃત્વ માટે પ્રબળ દાવેદાર તરીકે પોતાની ઓળખ બનાવી હતી. પરંતુ તેમ છતાં બહુ ઓછા લોકો જાણતા હતા કે, 1965માં કાંકરિયા વોર્ડ સેક્રેટરી તરીકે જનસંઘમાંથી રાજકીય સફર શરૂ કરનાર મોદી હવે ઐતિહાસિક છલાંગ લગાવવાના હતા. તેઓ હવે 51 વર્ષના ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ હતા.

1984માં ગુજરાતમાંથી માત્ર એક જ ભાજપના સાંસદ

પોસ્ટ અનુસાર પાર્ટીના સભ્યોમાં 'નમો' તરીકે ઓળખાતા મોદીએ ગુજરાતમાં ભાજપને મજબૂત પક્ષ તરીકે સ્થાપિત કરવા માટે વર્ષો સુધી સખત મહેનત કરી હતી. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો અને ભાજપની હાજરી ઘણી નબળી હતી. 1984માં ગુજરાતમાંથી માત્ર એક જ ભાજપના સાંસદ હતા, એ. કે. પટેલ જે મહેસાણામાંથી ચૂંટાયા હતા.

ભાજપે માત્ર કોંગ્રેસ દ્વારા પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પ્રવેશ કર્યો

મોદીની દીર્ધદૃષ્ટિ વ્યૂહાત્મક આયોજન અને સખત મહેનત ભાજપને ગુજરાતમાં નવી ઊંચાઈએ લઈ ગઈ. તેમના નેતૃત્વ હેઠળ ભાજપે માત્ર કોંગ્રેસ દ્વારા પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પ્રવેશ કર્યો જ નહીં, પરંતુ રાજ્યના રાજકીય લેન્ડસ્કેપને પણ સંપૂર્ણપણે બદલી નાખ્યો. સંગઠનાત્મક તાકાત સાથે તેમણે પાર્ટીને એવા વિસ્તારોમાં પગ જમાવવામાં મદદ કરી જ્યાં ભાજપનો અગાઉ કોઈ ખાસ પ્રભાવ ન હતો.

1985માં મોદીને મળી હતી સૂચના

પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'જ્યારે 1985માં RSSએ નરેન્દ્ર મોદીને ભાજપ સાથે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારે તેમની રાજકીય કૌશલ્ય અને અગમચેતીએ કોંગ્રેસ માટે ગંભીર ચેલેન્જર તરીકે ઉભરી રહેલી ભાજપમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.'

7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

બાદમાં પાર્ટી નેતૃત્વએ નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા અને 7 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા આયામો જોયા અને તેમની નેતૃત્વ ક્ષમતાએ તેમને પછીથી દેશના વડાપ્રધાન બનાવ્યા. આમ 23 વર્ષ પહેલાની આ ઘટના એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. જેણે ભારતીય રાજકારણમાં પીએમ મોદીના પ્રભાવશાળી નેતૃત્વની સ્થાપના કરી.

અમિત શાહે અભિનંદન પાઠવ્યા

આ અવસર પર છેલ્લા ઘણા દાયકાઓથી ગુજરાતથી દિલ્હી સુધીના રાજકારણમાં હંમેશા તેમની સાથે રહેલા વર્તમાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમના 23 વર્ષના કાર્યકાળને યાદ કરીને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

હું તેમની સફળનો સાક્ષી રહ્યો છુંઃ અમિત શાહ

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, 'આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે તેમના જાહેર જીવનમાં 23 વર્ષ પૂર્ણ કર્યા છે. વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રહિત અને જનસેવા માટે કેવી રીતે સમર્પિત કરી શકે છે. આ 23 વર્ષની સાધના એ અનન્ય સમર્પણનું પ્રતીક છે. આ 23 વર્ષની સફર સામાજિક જીવન જીવતા લોકો માટે જીવંત પ્રેરણા છે. આ મારા માટે સૌભાગ્યની વાત છે કે હું તેમની સફળનો સાક્ષી રહ્યો છું.

શાહે વધુમાં કહ્યું કે, 'પીએમ મોદીએ બતાવ્યું કે કેવી રીતે ગરીબ કલ્યાણ, વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક ઓળખને મજબૂત કરવાનું કામ સમાંતર થઈ શકે છે. સમસ્યાઓને ટુકડાઓમાં જોવાને બદલે તેમણે દેશ માટે સર્વગ્રાહી ઉકેલનું વિઝન રજૂ કર્યું. પીએમ મોદીને અભિનંદન આપતા અમિત શાહે વધુમાં કહ્યું કે, રોકાયા વિના, થાક્યા વિના, પોતાની પરવા કર્યા વગર દેશ અને દેશવાસીઓ માટે સમર્પિત એવા દેશભક્ત મોદીજીને સેવા અને સમર્પણના 23 વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન પાઠવું છું.

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા

નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2014માં દેશના વડાપ્રધાન બન્યા સુધી તેઓ સતત ચૂંટણી જીતતા રહ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદ છોડીને દેશના વડાપ્રધાનની ભાગદોડ સંભાળી હતી. એ જ વર્ષે 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે.

કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓએ અભિનંદન પાઠવ્યા

ભાજપના કાર્યકર્તાઓથી લઈને ઘણા વરિષ્ઠ નેતાઓ અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા પ્રતિષ્ઠિત લોકો આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના કાર્યકાળની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરીને અભિનંદન આપી રહ્યા છે. 

  • Follow us on: