જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી તેમનો સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને આજે વહેલી સવારે જ ભારત પરત ફર્યા છે અને ત્યારબાદ સતત બેઠકોનો દોર યથાવત છે. ત્યારે હાલમાં PMOમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક યોજી છે.
CCSની બેઠકમાં સંરક્ષણમંત્રી, વિદેશમંત્રી પણ હાજર
આ બેઠકમાં ભારતની સુરક્ષા પરિસ્થિતિ, ખાસ કરીને પહેલગામ હુમલાના સંદર્ભમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ જયશંકર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે, હાલમાં ઘાયલ થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
અમિત શાહે ઘટના સ્થળની લીધી મુલાકાત
ઉલ્લેખનીય છે કે ગઈકાલે આતંકી હુમલાના સમાચાર બાદ તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર જવા માટે રવાના થયા હતા અને શ્રીનગરમાં પણ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને આજે થોડા સમય પહેલા જ તેઓ શ્રીનગરથી દિલ્હી પરત ફર્યા છે અને પરત ફર્યા પછી તરત જ તેમણે CCS મીટિંગમાં હાજરી આપી છે. તમને જણાવી દઈએ તે ગૃહપ્રધાને આજે સવારે પહેલગામમાં ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઘાયલોને પણ મળ્યા અને શ્રીનગરમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
શું છે CCS, કોણ કોણ બેઠકમાં થાય છે સામેલ?
કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં ગૃહમંત્રી, રક્ષામંત્રી, નાણામંત્રી અને વિદેશ મંત્રી સામેલ થાય છે. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કેબિનેટ સચિવ અને રક્ષા સચિવ પણ બેઠકમાં સામેલ થાય છે પણ તે સ્થાયી સભ્ય હોતા નથી. CCSમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણય લેવામાં આવે છે. આ સમિતિ દેશની આતંરિક અને બાહ્ય સુરક્ષા સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા કરે છે અને તેની પણ અંતિમ નિર્ણય લે છે.