આજથી સંસદનુ બજેટ સત્ર શરૂ થયું. રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઇ. આવતી કાલે બજેટ રજૂ થશે. ત્યારે આજે રાષ્ટ્રપતિએ આપેલા અભિભાષણને લઇને સોનિયા ગાંધીની ટિપ્પણી સામે આવી હતી. સોનિયા ગાંધીએ Poor Lady ગણાવ્યા હતા. જેને લઇને રાષ્ટ્રપતિ ભવન સહિત રાજકીય દિગ્ગજો આ નિવેદનને વખોડી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ સોનિયા ગાઁધીના નિવેદનની આકરી ટીકા કરી હતી.
પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત એક પબ્લિક રેલીમાં આજે સંબોધન કર્યુ હતું. જે દરમિયાન કોંગ્રેસે રાષ્ટ્રપતિ પર કરેલી ટિપ્પણીને વખો઼ડી હતી. તેમણે કહ્યું કે "દ્રૌપદી મુર્મુજી અહીં એક આદિવાસી પરિવારમાંથી આવ્યા છે. તેમની માતૃભાષા હિન્દી નથી, તે ઉડિયા છે. તેમણે આજે સંસદને અદ્ભુત રીતે પ્રેરણા દાયી ભાષણ આપ્યું. પરંતુ કોંગ્રેસના રાજવી પરિવારે તેમનું અપમાન કરવાનું શરૂ કરી દીધું છે. રાજવી પરિવારના એક સભ્યએ કહ્યું કે આદિવાસી દીકરીએ કંટાળાજનક ભાષણ આપ્યું. બીજા સભ્યએ એક ડગલું આગળ વધીને રાષ્ટ્રપતિને ગરીબ ગણાવ્યા. તેમને આદિવાસી દીકરીનું ભાષણ કંટાળાજનક લાગે છે. આ દેશના 10 કરોડ આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન છે. આ દેશના દરેક ગરીબ વ્યક્તિનું અપમાન છે... તેઓ લોકોને ગાળો આપવા, વિદેશમાં ભારતને બદનામ કરવા અને શહેરી નક્સલીઓ વિશે વાત કરવાનું પસંદ કરે છે. દિલ્હીએ ખૂબ સાવધ રહેવું પડશે. હારના ડરથી, આ બે અહંકારીઓએ હાથ મિલાવ્યા છે..."
કોંગ્રેસ માફી માંગે- જે.પી નડ્ડા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ સોનિયા ગાંધીની ટિપ્પણી અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે હું અને દરેક ભાજપ કાર્યકર્તા સખત નિંદા કરીએ છીએ. ભાજપ પ્રમુખે કહ્યું કે આવા શબ્દોનો ઇરાદાપૂર્વક ઉપયોગ કોંગ્રેસના ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. તેમણે કોંગ્રેસને રાષ્ટ્રપતિ અને આદિવાસી સમુદાયની બિનશરતી માફી માંગવાની પણ માંગ કરી.
શું બોલ્યા હતા સોનિયા ગાંધી ?
રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણ પર પ્રતિક્રિયા આપતા સોનિયા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ભાષણના અંત સુધીમાં બોલતા બોલતા થાકી ગયા હતા અને બોલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. તેમણે સંસદ સંકુલમાં તેઓએ કહ્યું કે બહુ મુશ્કેલીથી રાષ્ટ્રપતિ બોલી શકતા હતા.Poor Lady. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ મુર્મુએ બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા હતા અને સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. મુર્મુએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના આ ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ગતિએ કામ થઈ રહ્યું છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણી અને વકફ સુધારા બિલ જેવા કાયદાઓને ઝડપી ગતિએ આગળ વધારવામાં આવ્યા છે.













