• ઓડિશા અને આંધ્રપ્રદેશમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન
  • 12 જૂને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
  • આંધ્ર પ્રદેશમાં ટીડીપી, ભાજપ અને જનસેનાના ગઠબંધને ચૂંટણી જીતી

ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં 12 જૂને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ઓડિશામાં ભાજપે એકલા હાથે બહુમતી મેળવી છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં ટીડીપી, ભાજપ અને જનસેનાના ગઠબંધને ચૂંટણી જીતી છે.

ઓડિશામાં ભાજપે પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. આ સાથે જ પાર્ટીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પણ જીતી ગયું છે. હવે આ બંને રાજ્યોમાં 12 જૂને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ બંને રાજ્યોના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. 

કોણ બનશે ઓડિશાના સીએમ?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે ઓડિશામાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન આવતીકાલે એટલે કે 12મી જૂને અહીં શપથ ગ્રહણ સમારોહ માટે ઓડિશા પહોંચશે. અમારો શપથ ગ્રહણ સમારોહ ભુવનેશ્વરના જનતા મેદાનમાં સાંજે 5 વાગ્યે યોજાશે. રાજ્યમાં સીએમ પદ અંગે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીનો ચહેરો સંસદીય પક્ષ નક્કી કરશે. ભાજપમાં રેસમાં કોઈ નથી.

રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવ સુપરવાઈઝર

ઓડિશાના નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે મંગળવારે બીજેપી વિધાયક દળની બેઠક મળશે. 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં ભાજપે 78 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. હવે ઓડિશામાં નવા સીએમ માટે તમામની નજર બ્રજરાજનગર વિસ્તારના ધારાસભ્ય સુરેશ પૂજારી પર છે. ભાજપે ઓડિશાના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુ સીએમ બનશે

ચંદ્રબાબુ નાયડુ ફરી એકવાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે નાયડુ આ પહેલા 1995 થી 2004 અને 2014 થી 2019 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ટીડીપી, જનસેના અને બીજેપી ગઠબંધને 175માંથી 164 સીટો પર જીત મેળવી છે. 

  • Follow us on: