રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર સહિત અનેક વીરતા પુરસ્કારો અર્પણ કર્યા હતા. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સન્માન એવા લશ્કરી કર્મચારીઓને આપવામાં આવ્યું હતું જેમણે અત્યંત બહાદુરી, હિંમત અને બલિદાન દર્શાવ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૈનિકોનું કર્યુ સન્માન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહ દરમિયાન દેશના બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર અને અન્ય શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે યોજાયો હતો. જ્યાં પીએમ નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા. આ ગૌરવપૂર્ણ પ્રસંગે, દેશે રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અથવા અસાધારણ હિંમત દર્શાવનારા તેના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અને સન્માન આપ્યું હતુ. આ સમારોહ દેશની લશ્કરી પરંપરા અને બહાદુરી માટે આદરનું પ્રતીક બની ગયો છે.
રાષ્ટ્રપતિએ શહીદ સૈનિકોના પરિવારોને આપી સાંત્વના
આ દરમિયાન રાષ્ટ્રપતિએ શીખ લાઇટ ઇન્ફન્ટ્રી 19 રાષ્ટ્રીય રાઇફલ્સના સિપાહી પ્રદીપ સિંહ અને મેજર આશિષ ધોનચકને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કર્યું હતુ. સમારોહ દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે વાર મંચ પરથી નીચે આવ્યા અને શહીદ સૈનિકોના પરિવારોને મળ્યા હતા. શૌર્ય ચક્ર મેળવનારાઓમાં સ્ક્વોડ્રન લીડર દીપક કુમાર, રાજપૂત રેજિમેન્ટ 44મી બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર વિજય વર્મા, ડેપ્યુટી કમાન્ડન્ટ વિક્રાંત કુમાર, પેરાશૂટ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલ સીવીએસ નિખિલ, આર્મી સર્વિસ કોર્પ્સના મેજર તૃપ્તપ્રીત સિંહ, સીઆરપીએફના જેફરી હેમિંગચુલો ઇન્સ્પેક્ટર, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ પોલીસ ઓફિસર અબ્દુલ લતીફનો સમાવેશ થાય છે.
શૌર્ય ચક્ર કરાયા એનાયત
આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની 5મી બટાલિયનના સુબેદાર સંજીવ સિંહ જસરોટિયા, લેફ્ટનન્ટ કમાન્ડર કપિલ યાદવ, સ્ક્વોડ્રન લીડર દીપક કુમાર, આર્ટિલરી રેજિમેન્ટના સુબેદાર પી. પુબિન સિંઘા, 666 આર્મી એવિએશન સ્ક્વોડ્રન કર્નલ પવન સિંહ, વિંગ કમાન્ડર વર્નોન ડેસમંડ કીન, મેજર સાહિલ રંધાવાને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્વારા લેફ્ટનન્ટ કમાન્ડર કપિલ યાદવ, AEO INS વિશાખાપટ્ટનમ અને આર્મી સર્વિસ કોર્પ્સ 34 રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર તૃપ્તપ્રીત સિંહને પણ શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા.