પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરીના રોજ બાગેશ્વર ધામની મુલાકાત લેશે. અહીં તેઓ 100 બેડવાળી કેન્સર હૉસ્પિટલ માટે ખાતમુહુર્ત કરશે. તો 26 ફેબ્રુઆરીના રોજ 251 જેટલી અનાથ કન્યાઓના સમૂહ લગ્નમાં આશિર્વાદ આપવા માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઉપસ્થિત રહેશે. બાગેશ્વર ધામના પ્રવાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યુ છે.


પીએમ અને રાષ્ટ્રપતિનો કાર્યક્રમ

પીએમ મોદી 23 ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલા બાગેશ્વર ધામ જશે. પીએમ મોદી પ્રથમવાર બાગેશ્વર ધામની મુલાકાત લઇ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ 100 બેડવાળી કેન્સર હૉસ્પિટલ માટે ખાતમુહુર્ત કરશે. અને સાથે જ બુંદેલખંડ મહોત્સવની શરૂઆત કરશે. તો પીએમ બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પણ બાગેશ્વર ધામની મુલાકાત કરશે. 26 ફેબ્રુઆરીના રોજ તેઓ અહીં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ 251 જેટલી અનાથ કન્યાઓના સમૂહ લગ્નમાં હાજર રહેશે. આ બંને કાર્યક્રમ માટે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તૈયારીઓમાં લાગી ગયા છે. પીએમ મોદીના સ્વાગત માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ તમામ તૈયારીઓ પર જાતે જ ધ્યાન રાખી રહ્યા છે. તેઓએ બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી. કેન્સર હૉસ્પિટલ માટે ખાતમુહુર્તનો કાર્યક્રમ 12-30 થી 2-30 સુધી ચાલશે. પીએમ મોદી બપોરે 12-30 કલાકે ખજુરાહો એરપોર્ટ પહોંચશે. જ્યાં હેલિકોપ્ટર 12-55 પર બાગેશ્વર ધામ આવી પહોંચશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, પીએમ પહેલા મંદિરમાં દર્શન કરશે અને બાદમાં કેન્સર હૉસ્પિટલ માટે ખાતમુહુર્તની વિધી કરશે. જે બાદ પીએમ મોદી ભોપાલ જવા માટે રવાના થશે. ભોપાલમાં પીએમ મોદી 24 ફેબ્રુઆરીના રોજ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં સામેલ થશે.

લોખંડી સુરક્ષા વ્યવસ્થા

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુની બાગેશ્વર ધામની મુલાકાતને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલેક્ટરે જણાવ્યુ હતુ કે, 1500થી 2 હજાર જવાન બંદોબસ્તમાં તૈનાત છે. તો આ સાથે જ કાર્યક્રમ સ્થળને 25થી 30 સેક્ટરોમાં વહેંચવામાં આવ્યુ છે. આ ઉપરાંત 30 જેટલી મોટી સ્ક્રીન પણ કાર્યક્રમ સ્થળ પર લગાવવામાં આવી છે. જેના કારણે લોકો પીએમના કાર્યક્રમને સરળતાથી જોઇ શકશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુની સુરક્ષા માટે 100થી વધુ સીસીટીવી કેમેરા લગાવામાં આવી રહ્યા છે. 80 હજાર જેટલા લોકો માટે બેસવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. પાંચ નવા હેલિપેડ બનાવવામાં આવ્યા છે. તો સાથે જ અસ્થાયી હૉસ્પિટલ પણ બનાવવામાં આવ્યા છે. તો ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પણ રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. 

  • Follow us on: