ઉનાળો એટલે આકરી ગરમી સહન કરવાનો સમય. ગરમીને કારણે હાલ બેહાલ તો થઇ જ જાય છે પરંતુ તેમ છતાં પણ ઉનાળો ખાસ છે. કારણ કે કેરી ખાવા મળે છે. દેશભરના કેરી પ્રેમીઓ હાપુસ, પૈરી, લાલબાગ અને કેશર જેવી મોસમી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. પરંતુ પુણેના એક ખેડૂતે કેરી પ્રત્યેના પોતાના જુસ્સાને વૈશ્વિક સ્તરે લઈ જઈને દુર્લભ અને વિદેશી જાતોની ખેતી કરી છે, જેમાં જાપાનની વિશ્વ વિખ્યાત મિયાઝાકી કેરીનો પણ સમાવેશ થાય છે.
સૌથી મોંઘી કેરીની જાત
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વરવંદ ગામના ખેડૂત અને ભૂતપૂર્વ સ્થાનિક રાજકારણી ફારૂક ઇનામદારે માત્ર 20 ગુંઠા (અડધો એકર) જમીન પર 120 કેરીના ઝાડ સફળતાપૂર્વક ઉગાડ્યા છે. જેમાં કેરીની 90 આંતરરાષ્ટ્રીય જાતો છે, જ્યારે 30 સ્થાનિક એટલે કે ભારતીય જાતોનો સમાવેશ થાય છે. આ તમામ જાતોમાં સૌથી મોંઘી કેરીની જાત છે મિયાજાકી.
આ કેરી એટલા માટે ફેમસ છે કારણ કે તેની કિંમત લાખોમાં છે. જી, હા જાપાનમાં મિયાઝાકી કેરી એક કિલો 2.7 લાખ રૂપિયે જ્યારે ભારતમાં આ કેરી 1.5 લાખ પ્રતિ કિલોના ભાવ બોલાય છે.આ દુર્લભ જાતોના વાવેતર માટે ઇનામદારની યાત્રા હજ યાત્રા દરમિયાન શરૂ થઈ હતી, જ્યાં તેમણે વિશ્વભરમાંથી કેરીઓનો વિશાળ સંગ્રહ જોયો. તેમાંથી પ્રેરણા લઈને, તેમણે વિવિધ દેશોમાંથી છોડ આયાત કર્યા અને પુણેમાં તેમના ખેતરમાં તેને ઉગાડવાનું શરૂ કર્યું.
વિદેશી કેરીનું ભારતમાં સફળ ઉત્પાદન
બે વર્ષ પછી કેરીના વૃક્ષોએ ફળ આપવાનું શરૂ કર્યુ. તેમના ખેતરમાં હાલ તો રેડ આફ્રિકન, રેડ તાઇવાન, અરુણિકા, કેળા કેરી, ઓસ્ટ્રેલિયાની A2 R2, બાંગ્લાદેશની કાટોમોની અને શાહજહાં અને લોકપ્રિય મિયાઝાકી જેવી વૈશ્વિક જાતો ઉગાડવામાં આવે છે. મોટાભાગની વિદેશી કેરીઓ પ્રતિ કિલો હજારો રૂપિયામાં મળે છે, પરંતુ મિયાઝાકી તેની પ્રીમિયમ કિંમત માટે અલગ પડે છે. એક કિલોમાં ચારથી છ કેરી હોય છે, દરેકનું વજન લગભગ 300 ગ્રામ હોય છે.
વધુ કેરી આપતુ વૃક્ષ કોયાતુર
ઇનામદારે વધુ ઉપજ આપતું બીજું એક વૃક્ષ, "કોયતુર" પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. જે દર સીઝનમાં 8-10 કિલો કેરીનું ઉત્પાદન કરે છે અને તેની કિંમત પ્રતિ ફળ રૂ. 1,500 થી રૂ. 5,000 ની વચ્ચે મળે છે. પોતાની સફળતાથી પ્રોત્સાહિત થઈને તે વિશ્વભરમાં વધુ દુર્લભ કેરીની જાતોની ખેતી કરીને પોતાના પ્રયાસોને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. ઇનામદારે એ પણ સ્પષ્ટતા કરી કે ભલે તેમને ઓનલાઈન ખરીદદારો તરફથી તેમની કેરીઓ માટે ઘણી માંગણીઓ મળી રહી છે, પરંતુ તેમણે આ વખતે બધી કેરીઓનો ઉપયોગ પોતાના વપરાશ માટે કરવાનો નિર્ણય લીધો છે.