- પૂર્વ નેવી અધિકારીઓ પર જાસૂસી કરવાનો ગંભીર આરોપ
- વિદેશ મંત્રાલય કરી રહ્યું છે દરેક પ્રકારની સંભવ મદદ
- નિષ્ણાતોની સલાહ સાથે કાયદાકીય વિકલ્પોની શોધ
ભારતનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કતારની અદાલતે દોહામાં અટકાયતમાં લેવામાં આવેલા આઠ ભૂતપૂર્વ નૌકા અધિકારીઓ માટે મૃત્યુદંડનો ચુકાદો પસાર કર્યો છે. મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું છે કે તેઓ આ ચુકાદાથી ઊંડા આઘાતમાં છે અને હવે વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.
કાયદાકીય સલાહ લેશે વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, "અમારી પાસે પ્રારંભિક માહિતી છે કે કતારની ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોર્ટે આજે અલ દાહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સંડોવતા કેસમાં ચુકાદો આપ્યો છે." તેમણે ઉમેર્યું હતું કે "અમે મૃત્યુદંડના ચુકાદાથી ઊંડો આઘાત અનુભવીએ છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને અમે તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ."
કતારનાં સત્તાધિશો સાથે વાતચીત
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ''આ બાબત અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે આ મામલે દરેક પ્રકારની કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે કતારના સત્તાવાળાઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરીશું." આ કેસ સંવેદનશીલ હોવાના કારણે પ્રવક્તાએ આ મામલે વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
શું છે મામલો
ઓક્ટોબર 2022 થી ભારતનાં 8 પૂર્વ અધિકારીઓ કતારમાં કેદ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ પર કતારનાં સબમરીન પ્રોગ્રામની કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ છે. ભારત દ્વારા આઠ ભારતીય અધિરકારીઓને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી હતી અને ભારતનાં કાયદા નિષ્ણાતોની ટીમ તેમની મુક્તિને સુરક્ષિત કરવા માટે કામ કરી રહી હતી. અટકાયતમાં લેવાયેલા એક અધિકારીનાં બહેન મીતુ ભાર્ગવે પોતાના ભાઈને પરત લાવવા માટે ભારત સરકાર પાસે મદદ માંગી હતી.