રાજસ્થાનના જેસલમેરમાં પોકરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં આજે શુક્રવારે બપોરે 12 વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના જવાનોની પ્રેક્ટિસ દરમિયાન મોર્ટાર બોમ્બ વિસ્ફોટ થતાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ ત્રણેય જવાનોને પોખરણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય જવાનો BSFના તાલીમાર્થી હતા. આ અકસ્માત નિયમિત પ્રેક્ટિસ સેશન દરમિયાન થયો હતો. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે, ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે, તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે જેથી કરીને અકસ્માતનું સાચું કારણ જાણી શકાય. પોકરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં અકસ્માતની જાણ થતા વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

બે જવાનોની હાલત ગંભીર

ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આવા અકસ્માતો ભાગ્યે જ બને છે, પરંતુ આ ઘટના બાદ સુરક્ષા માપદંડોની ફરી ચર્ચા થઈ રહી છે. ઘાયલોમાં સૈનિક ઉદય અને અભિષેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જ્યારે ત્રીજા જવાનની સુવિમલની હાલત સારી છે, પરંતુ પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તમામ ઘાયલ જવાનોને જોધપુર રિફર કરી દીધા છે.

અગાઉ પણ મોર્ટાર ફૂટ્યા હતા

અગાઉ 2016 અને 2017માં રાજસ્થાનના કિશનગઢ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મોર્ટાર વિસ્ફોટ થયો હતો. ત્યારે પણ ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. 2017માં બે વાર વિસ્ફોટ થયો હતો જેમાં 9 સૈનિકો ઘાયલ થયા. 2016માં ત્રણ વખત વિસ્ફોટ થયો હતો. 2012માં પણ મોર્ટાર ફાટવાને કારણે સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા.

આ મોર્ટારની ખાસયતો

આ મોર્ટારમાંથી છોડવામાં આવેલા ગોલાની રેન્જ 750 મીટર છે. એક મિનિટમાં વધુમાં વધુ 8 બોમ્બ ફેંકી શકાય છે. તેમાં ત્રણ પ્રકારના બોમ્બ ફાયર કરી શકાય છે. 800 ગ્રામ ઈલ્યૂમિનેશન જે રાત્રે પ્રકાશ ઉત્પન્ન કરે છે. 900 ગ્રામનો સ્મોક બોમ્બ, જે દિવસ દરમિયાન ફાયર કરવામાં આવે તો ચારે બાજુ ધુમાડો ફેલાઈ જાય છે. 920 ગ્રામ હાઈ-એક્સપ્લોસિવ જેનો વિસ્ફોટ સૈનિકોની આખી ટુકડીને ઇજા પહોંચાડી શકે છે.

  • Follow us on: