- રાજ્યસભાની 12 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત
- 21 ઑગષ્ટ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ
- 12માંથી 4 બેઠકો પર લગભગ નામ નક્કી
રાજ્યસભાની ખાલી પડેલી 12 બેઠકો પર પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું આજથી શરૂ થઇ ગયુ છે. 21 ઑગષ્ટ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જેમાં એનડીએએ 11 બેઠકો પર તેના ઉમેદવારો નક્કી કરવાના છે જ્યારે કોંગ્રેસે એક બેઠક પર. મળતી માહિતી મુજબ 12માંથી 4 સીટો પર નામ લગભગ ફાઈનલ થઈ ગયા છે, જ્યારે 8 સીટો પર હજુ સસ્પેન્સ છે.
કઇ 12 બેઠકો પર ચૂંટણી ?
નેતાઓએ રાજીનામુ આપતા 12 બેઠકો ખાલી પડી છે. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, બિહાર અને આસામની 2-2 બેઠક જ્યારે મધ્યપ્રદેશ, ત્રિપુરા, રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા અને ઓડિશાની એક એક બેઠકનો સમાવેશ થાય છે.
કઇ બેઠક પર કોણ હોઇ શકે ઉમેદવાર ?
- બિહારમાં રાજ્યસભાની બે બેઠકો માટે અલગથી નામાંકન દાખલ કરવામાં આવશે. અહીં NDAએ બંને બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાના છે. એક ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાના નામની જાહેરાત થઈ ચૂકી છે. કુશવાહા એનડીએ સાથી રાલોમાના પ્રમુખ છે. તાજેતરમાં તેઓ કરકટ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ જીતી શક્યા ન હતા.
- બીજી સીટ જનતા દળ યુનાઈટેડને જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુ આ સીટ પરથી સરયૂ રોયને ઉમેદવાર બનાવી શકે છે. સરયુ રોય ઝારખંડ વિધાનસભાના સભ્ય છે અને તાજેતરમાં જ નીતિશ કુમારની પાર્ટીમાં જોડાયા છે. ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
- લોકસભા ચૂંટણી બાદ નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળના રાજ્યસભા સભ્ય મમતા મોહંતાએ રાજીનામું આપી દીધું હતું. મોહંતા બીજેડી છોડીને ભાજપમાં જોડાયા હતા. હવે આ બેઠક પર પણ ચૂંટણી થવાની છે .
- આસામની 2 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં આ બેઠકોના ઉમેદવારોને લઈને એક બેઠક યોજાઈ હતી, જેમાં 5 નામોની યાદી હાઈકમાન્ડને મોકલવામાં આવી હતી. આસામ બીજેપી અધ્યક્ષ ભાભેશ કલિતાના જણાવ્યા અનુસાર પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ રામેશ્વર તેલી, રાજદીપ રોય, તપન ગોગોઈ, માનવ ડેકા અને મિશન રંજન દાસના નામ મોકલ્યા છે. નિર્ણય હાઈકમાન્ડે લેવાનો છે.
- તેલી ડિબ્રુગઢથી લોકસભા સાંસદ હતા, પરંતુ 2024માં પાર્ટીએ તેમની ટિકિટ રદ કરી અને સર્બાનંદ સોનોવાલને આપી. રાજદીપ રોય અને તપન ગોગોઈ પૂર્વ સાંસદ છે. મનબ ડેકા હાલમાં ધારાસભ્ય છે અને મિશન રંજન દાસ ભૂતપૂર્વ ધારાસભ્ય છે.
- તેલંગાણામાં રાજ્યસભાની એક બેઠક માટે પણ પેટાચૂંટણીનો પ્રસ્તાવ છે. આ સીટ કોંગ્રેસના ખાતામાં જશે. અહીંથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી ઉમેદવાર બને તેવી ચર્ચા છે. માર્ચમાં હિમાચલ રાજ્યસભાની ચૂંટણીમાં સિંઘવી કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ તેઓ જીતી શક્યા ન હતા.
આ રાજ્યોમાં હજુ પણ સસ્પેન્સ
જોકે મહારાષ્ટ્રની 2, હરિયાણા, ત્રિપુરા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 1-1 બેઠક પર કોણ ઉમેદવાર હશે તેના પર સસ્પેન્સ છે.
ક્યારે યોજાશે રાજ્યસભાની પેટાચૂંટણી ?
રાજ્યસભાની 12 બેઠકો માટેની આ પેટાચૂંટણીમાં ઉમેદવારો 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 22મી ઓગસ્ટે થશે. આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ત્રિપુરાના ઉમેદવારો 26 ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે, જ્યારે બિહાર, રાજસ્થાન, તેલંગાણા, ઓડિશા અને હરિયાણાના ઉમેદવારો 27 ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે.
જો ચૂંટણીની જરૂર પડશે તો સંબંધિત બેઠકો માટે 3જી સપ્ટેમ્બરે મતદાન થશે. આ ચૂંટણીમાં વિધાનસભાના સભ્યો મતદાન કરી શકશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 3 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ પછી સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.













