ગ્રાહક સુવિધા સુધારવા માટે રિઝર્વ બેંકે KYC અપડેટ અને નિષ્ક્રિય ખાતાઓ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. આગામી સમયમાં KYC હવે સરળતાથી થશે અપડેટ. સમયાંતરે KYC અપડેટ કરવામાં આવતા પડકારોનો ઉકેલ આવી શકે તેમ પ્લાનિંગ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે 'તમારા ગ્રાહકને જાણો (KYC)' નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો. તેનો હેતુ મની લોન્ડરિંગ અટકાવવાનો છે. આનાથી લાખો બેંક ગ્રાહકો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે તેમના KYC અપડેટ કરવાનું સરળ બનશે.
Bank ઓછામાં ઓછી ત્રણ વખત અગાઉથી સૂચના આપે
હવે બેંકો તેમના ગ્રાહકોને સમયાંતરે KYC અપડેટ્સ વિશે ઓછામાં ઓછી ત્રણ વખત અગાઉથી સૂચના આપે. સેન્ટ્રલ બેંકના આ પ્રસ્તાવ પર તમામ હિસ્સેદારો 6 જૂન સુધી પોતાના સૂચનો આપી શકે છે. જો બેંક પાસે વિડીયો કન્ઝ્યુમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ (V-CIP) ની સુવિધા હોય, તો ખાતાધારક વિનંતી કરે તો તેને આ સુવિધા પૂરી પાડે.
KYC અપડેટ્સ બાકી હોવાના ઘણા કિસ્સાઓ
શુક્રવારે જારી કરાયેલા તેના ડ્રાફ્ટ પરિપત્રમાં, કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે સમયાંતરે KYC અપડેટ્સ બાકી હોવાના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે. આમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ઇલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર (EBT) માટે ખોલવામાં આવેલા ખાતાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓમાં પણ ગ્રાહકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.