સુપ્રીમ કોર્ટે ગુરુવારે 7 નવેમ્બરે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓને કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ કારણ બતાવો નોટિસ જાહેર કરવા અને ડ્યૂટી વસૂલવાની સત્તાનો ઉપયોગ કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે, DRI અધિકારીઓ કસ્ટમ્સ એક્ટ હેઠળ કારણ બતાવો નોટિસ જાહેર કરી શકે છે.
DRI એક્ટ હેઠળ યોગ્ય અધિકારી છેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ કસ્ટમ્સ એક્ટ હેઠળ 'યોગ્ય અધિકારી' છે. તેથી તેમની પાસે એક્ટ હેઠળ સત્તાનો ઉપયોગ કરવા કારણ બતાવો નોટિસ જાહેર કરવા અને ડ્યૂટી વસૂલવાની સંપૂર્ણ સત્તા છે. આ નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આપ્યો હતો. જેમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.
2021નો નિર્ણય ઉલટાવી દીધો
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેણે કેનન ઈન્ડિયાના નિર્ણયથી ઉદ્ભવતા મુદ્દાઓ પર જ વિચાર કર્યો છે. આ ચુકાદો જે કેનન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ કમિશનર ઓફ કસ્ટમ્સમાં કોર્ટના 2021ના ચુકાદાને ઉલટાવી દીધો છે, તે પુષ્ટિ કરે છે કે DRI અધિકારીઓને કાયદાની કલમ 28 હેઠળ યોગ્ય અધિકારી માનવામાં આવે છે અને તેમને કારણ બતાવો નોટિસ જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે.
કસ્ટમ વિભાગે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી
અગાઉ 2021માં સુપ્રીમ કોર્ટે કેનન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કસ્ટમ કમિશનર કેસમાં કહ્યું હતું કે, DRI અધિકારીઓ પાસે કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ નોટિસ જાહેર કરવાની સત્તા નથી. કોર્ટે જણાવ્યું હતું કે, માલસામાનના ક્લિયરન્સ માટે મૂળ રૂપે જવાબદાર કસ્ટમ અધિકારીઓ જ આવી નોટિસ જાહેર કરી શકે છે. જેના કારણે DRI અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસને અમાન્ય ઠેરવવામાં આવે છે. કોર્ટના નિર્ણય પછી DRI દ્વારા જાહેર કરાયેલી ઘણી નોટિસને દેશભરની અદાલતો અને ટ્રિબ્યુનલ્સ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. કસ્ટમ વિભાગે આ નિર્ણય સામે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.
કોર્ટના નિર્ણયથી DRIને રાહત મળી
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કેન્દ્ર સરકાર અને DRI માટે મોટી રાહત છે. આ ચુકાદાએ કેનન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કેસમાં સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયને ઉલટાવી દીધો છે. જેમાં કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ નોટિસ જાહેર કરવાના સંદર્ભમાં DRIની સત્તાઓ મર્યાદિત હતી. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એન વેંકટરમણે તેમની સમીક્ષા અરજીમાં દલીલ કરી હતી કે કેનનનો નિર્ણય ખામીયુક્ત હતો અને મહત્વપૂર્ણ વૈધાનિક અર્થઘટનની અવગણના કરવામાં આવી હતી.