ઔરંગઝેબની પ્રશંસા કરવાને લઇને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે. સપા ધારાસભ્ય અબૂ આઝમીને વિધાનસભાના હાલના સત્રમાંથી સસ્પેન્ડ કરાયા છે. ત્યારે આ મામલે હવે સીએમ યોગીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નામ લીધા વિના અબૂ આઝમી પર પ્રહાર કરતા કહ્યું કે સપામાં એક નેતા છે. જે ઓરંગઝેબને પોતાના આદર્શ માને છે. જો તેઓમાં એટલે કે સપામાં હિંમત હોય તો પાર્ટીમાંથી બહાર કાઢીને બતાવે.
આવા લોકોનો તો યુપી સારી રીતે ઇલાજ કરશે- સીએમ યોગી
નેતા અબુ આઝમીનું નામ લીધા વિના સીએમ યોગીએ કહ્યું કે સપા ઔરંગઝેબને પોતાનો આદર્શ માને છે. અરે, તે વાહિયાતને પાર્ટીમાંથી કાઢી નાખો નહીંતર તેને યુપી મોકલી દો. ઉત્તર પ્રદેશ આવા લોકોનો બહુ સારી રીતે ઇલાજ કરે છે. વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી હવે ડૉ. લોહિયાના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. આજે તેઓ ઔરંગઝેબને પોતાનો આદર્શ માનવા લાગ્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે ઔરંગઝેબના પિતા શાહજહાંએ પોતે લખ્યું હતું કે ભગવાન કોઈને આવો પુત્ર ન આપે. સીએમ યોગીએ સમાજવાદી પાર્ટીને શાહજહાંનું જીવનચરિત્ર વાંચવાની સલાહ આપી હતી.
'ઔરંગઝેબે ભારતની શ્રદ્ધા પર હુમલો કર્યો'
ઔરંગઝેબ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે તેમનો હેતુ ભારતનું ઇસ્લામીકરણ કરવાનો હતો. કોઈ પણ સભ્ય વ્યક્તિ પોતાના બાળકનું નામ ઔરંગઝેબ રાખતો નથી. ઔરંગઝેબના ક્રૂર શાસનને યાદ કરતાં તેમણે કહ્યું કે તેમણે તેમના પિતાને આગ્રા કિલ્લામાં કેદ કર્યા હતા અને પાણીના એક એક બૂંદ માટે તડપાવ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો ઔરંગઝેબ જેવું વર્તન કરે છે, તેમની લાગણીઓ પણ ઔરંગઝેબ જેવી જ હશે.
અબુ આઝમી ઓરંગઝેબ પર એવુ તો શું બોલ્યા ?
સપા નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે 'હું ઔરંગઝેબને ક્રૂર શાસક નથી માનતો.' તે યુગમાં સત્તા સંઘર્ષો રાજકીય હતા, ધાર્મિક નહીં. ઔરંગઝેબની સેનામાં ઘણા હિન્દુઓ હતા, જેમ છત્રપતિ શિવાજીની સેનામાં ઘણા મુસ્લિમો હતા. ઔરંગઝેબ ક્રૂર શાસક નહોતો અને તેણે ઘણા મંદિરો બનાવ્યા. જે લોકો દાવો કરે છે કે છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે લડાઈ થઈ હતી, તેઓ ખોટું બોલી રહ્યા છે. જ્યારે આ નિવેદન પર વિવાદ વધ્યો, ત્યારે અબુ આઝમી વિરુદ્ધ FIR નોંધવામાં આવી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આઝમીની વિધાનસભા સભ્યપદ રદ કરવાની માંગ કરી છે.