મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી સરકાર કરોડો રૂપિયા વસૂલ કરશે. દિલ્હી હાઇકોર્ટે એક કેસમાં સરકાર તરફી ચુકાદો આપ્યો છે. તો આ મામલે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નિવેદન આપતા કહ્યુ છે કે, સરકાર આ નાણાં વસૂલવા માટે અંત સુધી પ્રયત્ન કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદારો પાસેથી $2.81 બિલિયન એટલે કે લગભગ રૂ. 24,490 કરોડ વસૂલવાના છે.
શું છે સમગ્ર મામલો ?
દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠીત કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદારો પાસેથી $2.81 બિલિયન એટલે કે લગભગ રૂ. 24,490 કરોડ વસૂલવાના છે. કુદરતી ગેસ નિષ્કર્ષણ સંબંધિત એક કેસમાં, દિલ્હી હાઈકોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે સરકારે મુકેશ અંબાણી પાસેથી એક-એક પૈસો વસૂલવાની તૈયારી પણ કરી લીધી છે. આ સંદર્ભમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી કહે છે કે તેમનું મંત્રાલય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદારો પાસેથી $2.81 બિલિયનની માંગને પૂર્ણ કરવા માટે અંત સુધી પ્રયાસ કરશે. તેમના નિવેદનને આ મામલે સરકાર તરફથી મોટો પ્રતિભાવ માનવામાં આવી રહ્યો છે.
વાસ્તવમાં આ મામલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની ભાગીદાર કંપનીઓ દ્વારા કુદરતી ગેસના નિષ્કર્ષણ સાથે સંબંધિત છે. સરકારનો દાવો છે કે રિલાયન્સ અને તેની ભાગીદાર કંપનીઓ ગેસ ક્ષેત્રોમાંથી કુદરતી ગેસ કાઢે છે જેનો ઉપયોગ કરવાનો તેમને કોઈ અધિકાર નથી. આ કિસ્સામાં, ભારત સરકારે રિલાયન્સ પાસેથી $1.55 બિલિયનની ચુકવણીનો દાવો કર્યો હતો. રિલાયન્સ આ મામલો આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી અદાલતમાં લઈ ગઈ, જ્યાં જુલાઈ 2018 માં તેના પક્ષમાં ચુકાદો આવ્યો. સરકારનો $1.55 બિલિયનનો દાવો નકારી કાઢવામાં આવ્યો. આ પછી સરકારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. ગયા મહિનાની 14મી તારીખે, દિલ્હી હાઈકોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો. આ પછી જ સરકાર દ્વારા 2.81 અબજ ડોલરની ડિમાન્ડ નોટિસ જાહેર કરવામાં આવી છે. રિલાયન્સે 3માર્ચ, 2025ના રોજ આ નોટિસ મળ્યાની પુષ્ટિ કરી છે.
શું બોલ્યા પેટ્રોલિયમ મંત્રી ?
પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યુ છે કે, ગૈસ માઇગ્રેશન સાથે જોડાયેલા એક મામલામાં આ વસૂલાત કરવામાં આવશે. 2.81 અરબ ડોલરની વસૂલી મામલે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યુ હતુ કે, કોર્ટે તેમનું વલણ સ્પષ્ટ કર્યુ છે. અને સરકાર આ નાણાં વસૂલવા માટે અંત સુધી પ્રયત્ન કરશે. આ મામલો કૃષ્ણ-ગોદાવરી બેસિનમાં સ્થિત KG-D6 બ્લોક સાથે જોડાયેલો છે. આ વિસ્તારમાં રિલાયન્સ પાસે કુદરતી ગેસ એક્સટ્રેક્શનનો અધિકાર છે. પરંતુ સરકારની કંપની ઓએનજીસીનો દાવો છે કે, રિલાયન્સે આ વિસ્તારમાં KG-DWN-98/2 બ્લોકથી ગેસને ટ્રાન્સફર કરી છે. તમને જણાવી દઇએ કે, KG-DWN-98/2 બ્લોક ઓએનજીસીને અલોટ કરવામાં આવ્યુ છે.













