- સામ પિત્રોડાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
- બીજેપી સહિત વિપક્ષ પણ કરી રહ્યું છે ટીકા
- ખુદ કોંગ્રેસે જ પિત્રોડાના આ નિવેદનને ગણાવ્યું દુર્ભાગ્યપૂર્ણ
લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા સામ પિત્રોડા વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં છે. પહેલા વિરાસત ટેક્સ અને ભારતની વિવિધતા અંગે આપેલા નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. ત્યારે વધુ એકવાર કોંગ્રેસ નેતાના આવા નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઇ છે.
કોંગ્રેસ પિત્રોડાના નિવેદન અંગે શું કહ્યું ?
ભારતીયોની તુલના ચાઈનીઝ-આફ્રિકન સાથે કરવાના સેમ પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસ બેકફૂટ પર હોવાનું જણાઇ રહ્યું છે. આ મામલે સામ પિત્રોડાનું નિવેદન સામે આવતાની સાથે જ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી દૂરી લીધી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'ભારતની વિવિધતાનું વર્ણન કરવા માટે સામ પિત્રોડા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સમાનતા દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓ સાથે સંપૂર્ણપણે અસંમત છે.
વિપક્ષી ગઠબંધનના નેતાઓએ શું કહ્યું ?
શિવસેના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પિત્રોડાના નિવેદન પર અસહમતી દર્શાવી. તેમણે સવાલો ઉઠાવ્યા કે શું તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે? શું તેઓ દેશમાં રહે છે? તેઓ તોવિદેશમાં રહે છે. તેમના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એક બાજુ રાષ્ટ્રીય મુદ્દાઓ છે અને બીજી બાજુ અમેરિકામાં સામ પિત્રોડાએ શું કહ્યું. અમે તેના વિશે કંઈ કરી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આ કોઇ મુદ્દો નથી અને આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા આપવા માંગતા નથી.
ડીએમકે અને આપ નેતાએ શું કહ્યું ?
પિત્રોડાના નિવેદન પર ડીએમકેના નેતા ટીકેએસ એલાંગોવને કહ્યું, 'અમે બધા સાથે છીએ. અહીં ઘણા ધર્મો, સંસ્કૃતિઓ, ભાષાઓ છે, પરંતુ અમે ભારતના લોકો વચ્ચે ક્યારેય ભેદભાવ કર્યો નથી. આ અમારું નિવેદન નથી. આપણે ભાષા અને સંસ્કૃતિની સમાનતાની વાત કરીએ છીએ અને માનીએ છીએ કે ભારતના દરેક રાજ્યમાં રહેતા લોકો સમાન છે. કદાચ પિત્રોડા તેમની વાત બરાબર સમજાવી શક્યા નથી. જ્યારે AAP નેતા સંજય સિંહે કહ્યું કે વિપક્ષી ગઠબંધનનો કોઈ પણ નેતા સામ પિત્રોડાના નિવેદનને સમર્થન આપતો નથી.